સોમનાથ : કેન્દ્રીય ગૃહ અને સહકારિતા પ્રધાન અમિત શાહ આજે તેમના સહપરિવાર સાથે સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે પહોંચ્યા હતાં વહેલી સવારે અમિત શાહ અને તેમના ધર્મપત્ની દ્વારા દેવાધિદેવ સોમેશ્વર મહાદેવ પર જળાભિષેક કરવામાં આવ્યો હતો. જે બાદ ગૃહપ્રધાન અમિત શાહે સોમનાથ મંદિર પરિસરમાં આયોજિત સોમેશ્વર મહાપૂજાની સાથે ધ્વજા પૂજા તેમજ પાઘ પૂજા અર્પણ કરીને તેમની સોમનાથની મુલાકાતને પૂર્ણ કરી હતી.
પાંચ રાજ્યોની મતગણતરી પૂર્વે અમિત શાહે પરિવાર સાથે કર્યા સોમનાથ મહાદેવના દર્શન - સોમનાથ મહાદેવના દર્શન
કેન્દ્રીય ગૃહ અને સહકારીતા પ્રધાન અમિત શાહ આજે તેમના પરિવાર સાથે સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતાં. ગૃહપ્રધાને સોમનાથ મહાદેવનો જળ અભિષેક, સોમેશ્વર મહાપૂજા, ધ્વજા પૂજા અને પાઘ પૂજામાં શામેલ થઈને સોમેશ્વર મહાદેવને નૂતન ધ્વજારોહણ કરીને તેમની સોમનાથ મુલાકાતને પૂર્ણ કરી હતી.
Published : Dec 2, 2023, 4:53 PM IST
મહત્વના પ્રસંગોએ શાહ સોમનાથમાં : મહત્વના રાજકીય પ્રસંગોએ અમિત શાહ અચૂકપણે સોમનાથ આવતા હોય છે. કોઈ પણ રાજ્યના મતદાન કે મતગણતરી પહેલા અમિત શાહ સોમનાથ મહાદેવની પૂજા અને દર્શન કરવા માટે અચૂક આવી રહ્યા છે. રાજકીય રીતે પણ પક્ષ ચૂંટણીઓમાં સારો દેખાવ કરે તે માટે પણ નેતાઓ મહાદેવના દર્શન કરવા માટે આવતા હોય છે. પરંતુ અમિત શાહ પાછલા કેટલાય વર્ષોથી ચૂંટણીના સમયે અથવા તો મતગણતરી પૂર્વે અચૂક પણે સોમનાથ મહાદેવના દર્શન જળાભિષેક અને પૂજા માટે આવતા હોય છે. આ પરંપરા અમિત શાહે પાછલા ઘણા વર્ષોથી જાળવી રાખી છે. આવતી કાલે પાંચ રાજ્યોની મતગણતરી થવા જઈ રહી છે જેને લઈને પણ આજની અમિત શાહની સોમનાથ મુલાકાત અને મહાદેવના દર્શનને સૂચક માનવામાં આવી રહ્યું છે.
સોમનાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી : ગૃહપ્રધાન અમિત શાહની મંદિર પરિસરમાં આયોજિત સમગ્ર ધાર્મિક કાર્યક્રમમાં ઉપસ્થિતિ સમયે સોમનાથ ટ્રસ્ટના સેક્રેટરી યોગેન્દ્ર દેસાઈ પણ તેમની સાથે હાજર હતાં. અમિત શાહે સોમનાથ મહાદેવ પર નૂતન ધ્વજારોહણ કરીને સમગ્ર મંદિર પરિસરની વિગતો પણ સેક્રેટરી યોગેન્દ્ર દેસાઈ પાસેથી પ્રાપ્ત કરી હતી. ગૃહપ્રધાન અમિત શાહ સોમનાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે પણ સેવાઓ આપી રહ્યા છે.