- વાવાઝોડા સંદર્ભે સર્વે અને તંત્ર દ્વારા અપાતી સહાયની કામગીરી બાબતે સમીક્ષા બેઠક
- પાત્રતા ધરાવતા તમામ પરિવારોને મળશે સહાય
- સમિક્ષા બેઠકમાં કેબિનેટ પ્રધાન જયેશ રાદડીયા રહ્યા ઉપસ્થિત
ગીર સોમનાથ: જિલ્લામાં તૌકતે વાવાઝોડાથી થયેલી નુકસાની અને રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી સહાય જિલ્લા તંત્ર દ્વારા ચુકવાઇ રહી છે. તે અંગેની તમામ કામગીરીની સમીક્ષા જિલ્લાના પ્રભારીમંત્રી અને અન્ન અને નાગરિક પુરવઠા પ્રધાન જયેશ રાદડીયાએ કરી હતી. જિલ્લા સેવાસદન ખાતે પ્રધાન જયેશ રાદડીયાના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં કલેક્ટર અજય પ્રકાશે તૌકતે વાવાઝોડાથી ખાસ કરીને વધારે અસરગ્રસ્ત થયેલા ઉના અને ગીરગઢડા તાલુકામાં હાલ લાભાર્થીઓને ચુકવાઇ રહેલી વિવિધ સહાયની રકમ, પુર્ણ થયેલા સર્વે તેમજ વિજપુરવઠો પુર્વવત કરવા ચાલતી કામગીરી અને જ્યા વિજળી નથી ત્યા વૈકલ્પિક વ્યવસ્થાથી થતી પાણી વિતરણની કામગીરી સહિત વહીવટી તંત્રની તમામ કામગીરીનો તમામ ચીતાર પ્રેઝેન્ટેશનથી રજુ કર્યો હતો.
આ પણ વાંચો:ગીર સોમનાથમાં તૌક્તે વાવાઝોડાના અસરગ્રસ્ત 48,000 ખેડૂતોના વાડીબગીચાનો થયો સર્વે
લોકોને લાભ મળે તે અંગેના સુચનો લીધા ધ્યાને
આ તકે પ્રધાને બેઠકમાં ઉપસ્થિત સાંસદ રાજેશ ચુડાસમા અને ગીર-સોમનાથ જિલ્લાના અન્ય આગેવાનોના પણ લોક ઉપયોગી અને હાલની તંત્રની રાહત બચાવની કામગીરીમાં ઝડપ આવે અને લોકોને લાભ મળે તે અંગેના કેટલાક અગત્યના સુચનો ધ્યાને લીધા હતા અને આ સુચનો બાબતે પણ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને માર્ગદર્શન આપ્યું હતું.આ બાબતે પ્રધાને જ્યા સર્વે પુર્ણ થઇ ગયા છે. ત્યાં એકંદરે તાલુકા વાઇઝ કોઇ પરીવાર કે જે અસરગ્રસ્ત થયો હોય તેનો સર્વે બાકી રહી જાતો નથી તે અંગે ફરી સમિક્ષા, તપાસ કરી લેવા તેમજ સર્વેમાં બાકી રહી ગયેલાની જાણ થાય તો સર્વે કરીને નિયમોનુસાર લાભ આપવા સુચના આપી હતી. આ ઉપરાંત, વાડીમાં રહેતા જે તે ગામના લોકોનો સર્વે કરવા પણ જણાવ્યું હતું.