દીપડાએ વૃદ્ધ મહિલા પર હુમલો કરતા ઘટના સ્થળે જ મોત ગીર સોમનાથ: કોડીનાર તાલુકાના ઘાટવડ ગામે વૃદ્ધા પર દીપડાએ હુમલો કર્યો હતો. દીપડાએ ઘાટવડ ગામના સોનાબેન વાઢેળ જ્યારે પોતાના ફળિયામાં બેઠા હતા ત્યારે અચાનક દીપડાએ હુમલો કર્યો હતો. જેમાં વૃદ્ધ મહિલા સોનાબેનનું કમકમાટીભર્યું મોત થયું હતું.
વૃદ્ધ મહિલા પર દીપડાનો હુમલો:ગઈ કાલે રાત્રિના સમયે મૃતક વૃદ્ધ મહિલા સોનાબેન તેમના ઘરમાં પરિવારના સદસ્ય સાથે બેઠા હતા. આવા સમયે દીપડાએ ખૂબ જ ચતુરાઈપૂર્વક અને ઘાત લગાવીને વૃદ્ધ મહિલાને ગળા પરથી પકડીને તેને જંગલ વિસ્તારમાં ખેંચી જવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ પરિવારજનોની હાજરીની વચ્ચે ખૂબ જ શોરબકોર થતા દીપડો મહિલાને છોડીને જંગલમાં પલાયન થઈ ગયો હતો.
દીપડાના હુમલાથી ગામ લોકોમાં ભય:દીપડાના હુમલામાં ઘાયલ થયેલા સોનાબેનને 108 મારફતે હોસ્પિટલે ખસેડવાનો પ્રયાસ કરાયો હતો. પરંતુ દિપડાએ ખૂબ જ ઘાત લગાવીને ગળાના ભાગે હુમલો કરતા મહિલાનુ શ્વાસ રૂંધાઇ જવાને કારણે મોત થયું હતું. ત્યારબાદ મૃતક મહિલાની લાશને પોસ્ટ મોર્ટમ માટે કોડીનાર સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. આ પ્રકારે દીપડાએ હુમલો કરતા ગામ લોકોમાં પણ ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
ઓપરેશન લેપર્ડ શરૂ: ગઈ કાલે વૃદ્ધ મહિલાને શિકાર બનાવનાર દીપડાને પકડવા માટે વન વિભાગે પાંજરા ગોઠવીને ઓપરેશન લેપર્ડ શરૂ કર્યું છે. પરંતુ પાછલા બે મહિના દરમિયાન પાંચ કરતાં વધુ કિસ્સામાં ઘાટવડ ગામમાં જ દીપડાએ હુમલો કર્યો છે. જેમાં કેટલાક લોકોના મોત પણ થયા છે. ઘાટવડ ગામમાં સતત દીપડાના હુમલા વધી રહ્યા છે. જેને કાબુમાં કરવામાં વન વિભાગ અત્યાર સુધી સફળ નથી બન્યું. જેને કારણે પણ વન વિભાગ સામે ગામ લોકોમાં ભારે રોષ જોવા મળે છે.
- Dahod News : મધરાતે નીંદર માણી રહેલા લોકો પર દીપડાએ હુમલો કરતા 1નું મોત, વન વિભાગે રહીશોને કરી અપીલ
- Junagadh News : જૂનાગઢમાં ચાર પગના આતંકથી ભય વચ્ચે બૃહદ ગીર વિસ્તાર, વધુ એક મહિલાનો દીપડાએ શિકાર કર્યો