- ગીર સોમનાથના અસરગ્રસ્ત વિસ્તારોની બેન્કોમાં સહાયની રકમ ઉપાડવા લોકોની ભીડ
- બેન્કોમાં કોવિડના નિયમોના ધજાગરા ઉડતા હોય તેવો નજારો
- તંત્રએ 150 કરોડથી વધુની સહાયની રકમ અસરગ્રસ્તોના ખાતામાં જમા કરી
ગીર સોમનાથ : તૌકતે વાવાઝોડાથી અસરગ્રસ્ત બનેલા ગીર સોમનાથ જિલ્લાના ઉના, ગીરગઢડા અને કોડીનાર પંથકમાં હજારો અસરગ્રસ્ત લોકોને સરકાર દ્વાર 150 કરોડથી વધુની રકમ સહાય મારફત ચુકવવામાં આવી છે. આ પૈકીની મોટાભાગની રકમ અસરગ્રસ્ત લોકોના બેન્ક ખાતામાં તંત્રએ જમા કરાવી છે. જેના કારણે સહાયની રકમ ઉપાડવા પ્રભાવિત ત્રણેય તાલુકાની બેન્કોની બહાર અસરગ્રસ્ત લોકોની વ્હેલી સવારથી લાંબી લાઇનો જોવા મળે છે. જે લાઇનોમાં કોવિડના નિયમોને નજર અંદાજ કરી ધજાગરા ઉડતા જોવા મળે છે, ત્યારે આ સહાયની રકમ અસરગ્રસ્ત લોકો માટે આફત ન બને તો સારુ તેવું જાણકારો જણાવી રહ્યા છે.
ત્રણેય તાલુકાના ગામોમાં બેન્કોમાં લોકોની ભીડ જોવા મળી
જિલ્લામાં વાવાઝોડાથી પ્રભાવિત બનેલા ઉના, ગીરગઢડા અને કોડીનાર તાલુકાના વિસ્તારોમાં લોકોને ખેતી અને મકાનમાં થયેલી નુકસાનીનો સર્વે પુર્ણ કરાયા બાદ તંત્રએ 150 કરોડથી વધુની રકમ લાભાર્થી લોકોના બેન્ક ખાતામાં સીધી જમા કરાવી સહાય ચુકવી છે. જેને લઇ થોડા દિવસોથી ત્રણેય તાલુકાના ગામોમાં બેન્કોમાં લોકોની ભીડ જોવા મળી રહી છે. કારણ કે વાવાઝોડામાં નુકસાનીની ખાતામાં આવેલી રકમ ઉપાડવા દરરોજ મોટી સંખ્યામાં અસરગ્રસ્ત લોકો બેન્કોએ પહોંચી રહ્યા છે. આવી જ કોડીનાર-ગીરગઢડા પંથકના સૌથી મોટા ડોળાસા ગામમાં કાર્યરત SBI બેન્કની બહાર ઘણા દિવસોથી લોકોની લાંબી કતાર જોવા મળી રહી છે.
સહાયની રકમ ઉપાડવા સતત લોકો આવી રહ્યા છે
આ લાઇનોમાં કોવિડથી બચવા માટે જાહેર સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવાના નિયમને સરેઆમ નજર અંદાજ કરાતા હોવાના ર્દશ્યો જોવા મળે છે. આવો જ નજારો ગીરગઢડા અને ઉના પંથકની બેન્કોમાં પણ જોવા મળે છે. જેની પાછળનું એકમાત્ર કારણ સહાયની રકમ ઉપાડવા સતત લોકો આવી રહ્યા છે.