બે વર્ષ બાદ પાકિસ્તાનથી ઘરના ચિરાગ પરત ફરતા ગીર સોમનાથ : ગુજરાતના 80 જેટલા માછીમારોના પરિવારો આજે બેવડી ખુશી સાથે દિવાળી મનાવી રહ્યા છે. કારણ કે, પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થઈને તેમના સ્વજન બે વર્ષ બાદ તેમની પાસે પરત આવ્યા છે. પાકિસ્તાનની કરાચી જેલમાંથી માદરે વતન પરત ફરેલા માછીમારોનું પોતાના પરિવાર સાથે પુનઃ મિલન થતાં સંવેદનશીલ દ્રશ્યો સર્જાયા હતા.
ઘરના ચિરાગનું હર્ષના આંસુથી સ્વાગત 80 પરિવારમાં 2 વર્ષે દીપ પ્રગટ્યા : દિવાળીનો તહેવાર ગુજરાતના 80 માછીમાર પરિવારો માટે આ વર્ષે ખાસ અને વિશેષ બન્યો છે. કારણ કે, પાછલા બે વર્ષથી પાકિસ્તાનની કરાચી જેલમાં કેદ રહેલા ગુજરાતના 80 જેટલા માછીમારો સજા પૂરી કરીને માદરે વતન પરત ફર્યા છે. પાછલા બે વર્ષથી દિવાળીની ખુશી વિરહમાં પડેલી જોવા મળતી હતી. તે દુઃખ આ વર્ષે એક સાથે ત્રણ દિવાળીની ખુશીમાં પરિવર્તિત થઈ ગયું છે.
પાકિસ્તાનની જેલમાં બીમારીને લઈને યોગ્ય સારવાર મળતી નથી. જેના કારણે જેલમાં કેદ માછીમારોના મોત થાય છે. ભારત સરકાર માછીમારોની ચિંતા કરી કરાચી જેલમાં બંધ 184 માછીમારોને તાકિદે મુક્ત કરાવે. --દિલાવર (પાકિસ્તાનથી પરત આવેલ માછીમાર)
પાકિસ્તાન જેલમાંથી 80 માછીમારની વતન વાપસી : ગીર સોમનાથ જિલ્લાના વિવિધ ગામના વતની માછીમારો જ્યારે વેરાવળ બંદરે આવી પહોંચ્યા ત્યારે તેને આવકારવા માટે તેમના પરિવારજનો હાજર હતા. આ સમયે બે વર્ષ બાદ પરિવારના સભ્યો સાથે માછીમારોનું મિલન થતા હર્ષના આંસુ સાથે સમગ્ર વાતાવરણ દિવાળીની ખુશીમાં પરિવર્તિત થયેલું જોવા મળતું હતું. બે વર્ષથી પોતાના સ્વજનની રાહ જોતી આંખમાં આખરે ખુશીના આંસુ ઉભરાઈ આવ્યા હતા.
ઘરના ચિરાગનું હર્ષના આંસુથી સ્વાગત : હાલ પાકિસ્તાન જેલમાંથી મુક્ત થયેલા 80 માછીમારો અમૃતસરથી ટ્રેન મારફતે વડોદરા રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. ત્યાંથી બસ મારફતે મોડી સાંજે 9:00 વાગ્યાની આસપાસ તમામ માછીમારો વેરાવળ ફિશરીઝ ઓફિસે આવી પહોંચતા તેઓનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ફિશરીઝ અધિકારી કે. એમ. સિકોતરિયાએ આ અંગે વિગતો આપતાં જણાવ્યું હતું કે, આજે મુક્ત થયેલા 80 માછીમારોના પરિવારજનોમાં દિવાળીની બેવડી ખુશી જોવા મળે છે. હજુ પણ કરાચી જેલમાં ભારતના 184 જેટલા માછીમારો કેદ છે. તેને પણ તાકીદે મુક્ત કરવામાં આવશે તે પ્રકારની કાર્યવાહી ભારત અને પાકિસ્તાનના ઉચ્ચ અધિકારીઓ દ્વારા થઈ રહી છે.
આજે મુક્ત થયેલા 80 માછીમારોના પરિવારજનોમાં દિવાળીની બેવડી ખુશી જોવા મળે છે. હજુ પણ કરાચી જેલમાં ભારતના 184 જેટલા માછીમારો કેદ છે. તેને પણ તાકીદે મુક્ત કરવામાં કાર્યવાહી થઈ રહી છે. -- કે.એમ. સિકોતરિયા (ફિશરીઝ અધિકારી)
વતન પરત ફરેલ માછીમારની આપવીતી : પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થઈને વેરાવળ આવેલા કોડીનારના માછીમાર દિલાવરે આપવીતી જણાવતા કહ્યું હતું કે, પાકિસ્તાનની જેલમાં બીમારીને લઈને યોગ્ય સારવાર મળતી નથી. જેના કારણે જેલમાં કેદ માછીમારોના મોત થાય છે. ત્યારે ભારત સરકાર ભારતીય માછીમારોની ચિંતા કરી કરાચી જેલમાં બંધ 184 માછીમારોને તાકિદે મુક્ત કરાવે તેવી વિનંતી પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થઈને આવેલા માછીમારે કરી હતી.
પાકિસ્તાન જેલમાં કેટલા ભારતીય : પાકિસ્તાનની જેલમાં હજુ પણ 184 જેટલા ભારતીય માછીમારો કેદ રાખવામાં આવ્યા છે. આ તમામને પણ વહેલી તકે મુક્ત કરવામાં આવે તે પ્રકારની કાર્યવાહી ભારત સરકાર દ્વારા કરવામાં આવે તેવી માંગ માછીમારના પરિવારજનો કરી રહ્યા છે. પાછલા એકાદ વર્ષની અંદર પાકિસ્તાની જેલમાં કેદ ભારતના 12 જેટલા માછીમારોના મોત થયા છે. જેને લઈને પણ કેદ માછીમારોના પરિવારજનોમાં થોડી ચિંતા પણ જોવા મળે છે.
- Indian Fishermen Died Pakistan : કોડીનારના માછીમારનું પાકિસ્તાનની જેલમાં મોત, પાર્થીવ મૃતદેહને વતન દુદાણા લવાયો
- ઘરવાપસી: ભારતીય માછીમારો પાકિસ્તાનથી અટારી- વાઘા થઈને પરત ફર્યા