ગીર સોમનાથ:વાવાઝોડા પૂર્વેની વિનાશક અસરો હવે સામે આવી રહી છે. કોડીનાર તાલુકાના માઢવાડ ગામોમાં પ્રચંડ સમુદ્રના મોજાને કારણે દરિયાકાંઠા પર આવેલા છ જેટલા મકાનો ધરાશાયી થયા હતા. 6 પરિવારો ઘર વિહોણા બન્યા છે. લોકો વર્ષોથી સ્થળાંતરણ માટે તંત્રને અપીલ કરે છે પરંતુ તંત્રની લાપરવાહી આજે તેઓ માટે ઘાતક સાબિત થઇ હતી. જોકે હાલ તે લોકોને પ્રાથમિક શાળા મંદિર અને સમાજની વાડીમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા.
Cyclone Biparjoy Update: ગીર સોમનાથમાં માઢવાડ ગામે 6 મકાન ધરાશાયી, લોકોનું કરાયું સ્થળાંતર - ગીર સોમનાથમાં માઢવાડ ગામે 6 મકાન ધરાશાયી
સંભવિત વાવાઝોડુ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે ત્યારે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના માઢવાડ ગામમાં ગત રાત્રિના સમયે પ્રચંડ અને મહાકાય સમુદ્રના મોજાને કારણે છ મકાનો ધરાશાયી થયા છે. મકાનોમાં રહેતા તમામ લોકોને મંદિર પ્રાથમિક શાળા અને સમાજની વાડીમાં આશ્રય આપવામાં આવ્યો હતો.
ગામ લોકોમાં ભારે રોષ:માઢવાડ ગામ માછીમારી સમાજના લોકોનું ગામ છે. ગામ બિલકુલ દરિયાકાંઠે આવેલું છે તેથી ચોમાસાના સામાન્ય દિવસો દરમિયાન પણ અહીં દરિયાઈ પાણી લોકોના ઘરમાં ઘૂસી જતું હોય છે. વાવાઝોડા જેવી વિકટ સ્થિતિમાં ગામના લોકો સરકારી સહાયને લઈને સરકાર તેમજ તંત્ર સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે. વર્ષોથી તેઓ દરિયાકાંઠા વિસ્તારથી અન્ય સુરક્ષિત જગ્યાએ સરકાર તેમને કાયમી ધોરણે સ્થળાંતર કરે તેવી માંગ કરી રહ્યા છે પરંતુ હજી સુધી કોઈ નિવેડો આવતો જોવા મળતો નથી. જેને કારણે ગામ લોકોમાં હવે સરકાર અને તંત્ર સામે રોષ પણ જોવા મળે છે.
100 કરતાં વધારે મકાનોને ખતરો: માઢવાડ ગામમાં થયેલી નુકસાની જાતમાહિતી મેળવવા તાલુકા વિકાસ અધિકારી વાય.એમ રાવલ ગામમાં પહોંચ્યા હતા. તેઓ જણાવે છે કે છ જેટલા મકાનો સમુદ્રના મોજાને કારણે ધરાશાયી થયા છે. વધુમાં હજુ પણ 100 કરતાં વધારે મકાનો દરિયાકાંઠાના વિસ્તારોમાં છે. આ મકાનોમાં રહેતા લોકોને સ્થળાંતરિત કરવાની સ્થિતી ઉભી થાય તો માઢવાડ ગામમાંથી 1500 થી 2000 જેટલા લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડશે. હાલ તો જે મકાન દરિયાઈ મોજાને કારણે પડી ગયા છે તેવા લોકોને સુરક્ષિત જગ્યા પર સ્થળાંતરિત કર્યા છે.