- ઘોઘમાર વરસાદના પગલે ગીર પંથકની હિરણ નદીમાં ઘોડાપુર આવ્યું
- અનેક નદી-નાળા-વોકળાઓમાં ઘસમસતા નવા નીર વહેતા થયા
- જિલ્લાના ગીર જંગલ અને દરીયાકાંઠા વિસ્તારમાં ભારે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી
ગીર સોમનાથ: જિલ્લાના 6 તાલુકાઓમાં આજે (બુધવાર) સવારથી શરૂ થયેલ અવિરત મેઘસવારીએ ચાર કલાકમાં સાબલેઘાર વરસાદ વરસાવી દેતા ખેડૂતો ખુશખુશાલ થઇ ગયા છે. નદી-નાળાઓમાં નવા નીર વહેતા થતા ઘોડાપૂર જેવી સ્થિતિ ઉભી થઇ છે. આજે સવારથી બપોર સુઘી છ કલાકમાં જિલ્લામાં સૌથી વઘુ તાલાલા ગીર 162 મીમી (6.5 ઇંચ) અને સૌથી ઓછો સુત્રાપાડામાં 49 મીમી (2 ઇંચ) જેટલો વરસાદ વરસ્યો છે. ઉનામાં 5 ઇંચ, ગીરગઢડામાં 4 ઇંચ, વેરાવળમાં 3 ઇંચ, કોડીનારમાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો છે.
જિલ્લાના છ તાલુકામાં વરસેલ વરસાદ
મંગળવારની રાત્રીથી ગીર સોમનાથ જિલ્લાના છએય તાલુકામાં મેઘરાજાએ મુકામ કરી ઝાપટારૂપી હેત વરસાવી રહ્યા હતા. સમગ્ર રાત્રી દરમિયાન જિલ્લાના 6 તાલુકામાં સરેરાશ એક ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. બાદમાં આજે બુઘવારની સવારથી મેઘરાજાએ મનમુકીને વરસવાનું શરૂ કર્યુ હતુ. જેના પગલે જિલ્લાભરમાં સરરેશા અઢી થી સાડા છ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે. ગીર જંગલ વિસ્તારમાં પણ ભારે વરસાદ વરસી રહયો હોવાનું જાણવા મળ્યું છે. જિલ્લાના છ તાલુકાઓમાં આજે સવારે 6 થી બપોરે 12 વાગ્યા (છ કલાક)માં વરસેલા વરસાદ જોઇએ તો વેરાવળમાં 75 મીમી (3 ઇંચ), તાલાલામાં 162 મીમી (6.5 ઇંચ), સુત્રાપાડામાં 49 મીમી (2 ઇંચ), કોડીનારમાં 67 મીમી (2.5 ઇંચ), ગીરગઢડામાં 95 મીમી (4 ઇંચ) અને ઉનામાં 121 મીમી (5 ઇંચ) વરસાદ વરસી ગયો છે.
તાલાલામાં ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા
આજે સવારથી જિલ્લાભરમાં થઇ રહેલ શ્રીકાર વર્ષામાં ખાસ તાલાલા ગીર પંથકમાં ભારે 6.5 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે. જેમાં સવારે પ્રથમ બે કલાકમાં 1.5 ઇંચ બાદ સવારે 8 થી 10 માં 4.5 ઇંચ જેટલો અનરાઘાર વરસાદ વરસી જતા અનેક ગામોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. જેમાં તાલાલા તાલુકાના આંબળાસ, જેપુર ગીર, ધરમપુર ગીર, ગલીયાવાડ સહિતના અનેક ગામોના રસ્તાઓ પર વરસાદી પાણીની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. જ્યારે પંથકમાં પડી રહેલ ઘોઘમાર વરસાદના પગલે નદી-નાળા અને વોકળામાં પણ વરસાદી પાણીની ભરપુર આવક જોવા મળતી હતી.
આ પણ વાંચો :રાષ્ટ્રીય પોષણ માસ આજથી શરૂ, જાણો પોષણ અભિયાનને સફળ બનાવવા કેવા આયોજન