રાજ્ય સરકાર દ્વારા પરિવહન ક્ષેત્રે અનેકવિધ માનવ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજ્ય સરકારે થોડા સમય પહેલા વાહન ચાલકો માટે ગણાતો ખુબ અગત્યનો નિર્ણય લઇ નવા લાયસન્સ કઢાવવાં કે રીન્યુ કરાવવા માટે લોકોએ તેમના સ્થાનિક વતનની આર.ટી.ઓ. કચેરીએ જવું પડતું નથી. મહત્વકાંક્ષી નિર્ણયથી અનેક વાહનચાલકો અને લોકોને સિધો લાભ થયો છે. હવે લોકો રાજ્યની ગમે તે આર.ટી.ઓ. કચેરી ખાતેથી ઓનલાઇન વેબસાઇટનાં માધ્યમથી લાયસન્સ કઢાવી શકશે.
ગીરસોમનાથ RTOની ઉત્તમ કામગીરી, ગત નાણાકીય વર્ષમાં 36.6 કરોડની આવક - નાણાકીય વર્ષ 2018-19
ગીર સોમનાથઃ જિલ્લામાં RTO કચેરી દ્વારા 21,400 લાયસન્સ ઈસ્યુ કરાયા છે. જેના પગલે નાણાકીય વર્ષ 2018-19માં 36 કરોડ 60 લાખની આવક થઈ છે. તો સાથે જ નવા કે રીન્યુ લાયસન્સ માટે વતનની આર.ટી.ઓ કચેરીમાં જવાની મુકિત આપવાના રાજય સરકારના નિર્ણયને વાહન ચાલકો આવકારી રહ્યા છે.
ગીર સોમનાથ જિલ્લામાં RTO કચેરી દ્વારા ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર અને ફોર-વ્હીલર સહિતનાં 21,400 લાયસન્સ ઇસ્યુ કરવામાં આવ્યા હતા. તેમજ કચેરી દ્વારા 21 લાયસન્સ રદ અને 2 લાયસન્સ આજીવન માટે કેન્સલ કરવામાં આવ્યા હતા. RTO કચેરી દ્વારા વાહન ચાલકોને મેમો, ટેક્ષ, પેનલ્ટી અને ફી સ્વરુપે 36.5 કરોડ કરતા પણ વધારે આવક થઈ હતી. જ્યારે રાજ્ય સરકાર દ્વારા આર.ટી.ઓ. કચેરીને 38 કરોડ કરતા પણ વધારેનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો. જે લક્ષ્યાંકને કચેરી દ્વારા 95 ટકા સિધ્ધ કરવામાં આવ્યો છે.
આર.ટી.ઓ. કચેરી દ્વારા નિયત કરેલા સમય મુજબ સવારે લાયસન્સ કઢાવવા ઇચ્છુક અરજદારોની લર્નીંગ લાયસન્સ માટે ઓનલાઇન પરીક્ષા લેવામાં આવે છે. ત્યાર બાદ ડ્રાઇવ ટેસ્ટ કરવામાં આવે છે. એ.આર.ટી.ઓ. નાં માર્ગદર્શન હેઠળ આસી.ઇન્સપેકટર સહિત કચેરીનાં સ્ટાફ દ્વારા વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.