યુથ પાર્લામેન્ટ ઓફ ઇન્ડિયા 2019માં યુવાઓને આવકારતા મુખ્યપ્રધાન રૂપાણીએ જણાવ્યું હતું કે, યુવા પાર્લામેન્ટ એટલે કે, યુવાઓના વિચારોનો પ્રતિઘોષ. ભારત આજે વિશ્વમાં સૌથી વધુ યુવા વર્ગ ધરાવે છે. ભારતીય યુવાઓમાં રાષ્ટ્રભક્તિ હંમેશા ધબકતી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપન 'ન્યુ ઇન્ડિયા'નો પાયો યુવાધન છે. ઇતિહાસમાં જોઇએ તો રાષ્ટ્રના યુવાનોએ સચોટ માર્ગદર્શન હેઠળ ક્રાંતિ કરી હતી. દેશના વિકાસમાં નિસ્વાર્થ યુવા સેવા આવશ્યક છે. આજે રાષ્ટ્ર અને યુવાઓ પાસે ખુબ જ અપેક્ષાઓ છે.
જ્યારે રાજ્ય સભાના સભ્ય અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ જે.પી નડ્ડાએ યુથ પાર્લામેન્ટ ઓફ ઇન્ડિયા થકી દેશના પ્રશ્નોને સાંકળીને યુવાઓને જોડવાના પ્રયત્નો બદલ આયોજકોને અભિનંદન પાઠવી દેશના બદલામાં યુથના રોલ ઉપર ભાર મુક્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે, ભારત દેશની વસ્તી પૈકી 65 ટકા વસ્તી 35 વર્ષથી નાની વયની એટલે કે, યુથ છે. આ યુથને જે રાજકીય વાતાવરણ જોવા મળ્યું છે, તે બદલ યુથને નસીબદાર ગણાવ્યું હતું. જ્યારે અગાઉ દેશભરમાં જે રાજકીય વાતાવરણ હતું તેમાં 'બધુ ચાલે', 'કંઇ નહીં બદલાય', 'અમે તો આમ જ ચલાવીશું' આવું જ સાંભળવા મળતું હતું. છેલ્લા પાંચ વર્ષથી જે વાતાવરણ ઉભું થયું છે તેમાં 'આમ બધું નહીં ચાલે', 'બધે જ બદલાવ આવશે' આ વાતાવરણનો જન્મ થયો છે તે માટે જ યુથને નસીબદાર ગણાવ્યા હતા.