ગાંધીનગર:ગુજરાતમાં શિયાળાની શરૂઆતમાં જ ચોમાસા જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ગુજરાતના તમામ જિલ્લાઓમાં આજે સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા હજુ પણ 27 નવેમ્બરના દિવસે સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી આપવામાં આવી છે. 28 તારીખથી વાતાવરણ ડ્રાય બનશે પરંતુ આ એક દિવસના શિયાળાના માવઠાએ ગુજરાતના 14 જેટલા નાગરિકોના જીવ લીધા છે.
ETV ભારત દ્વારા રાજ્યના SEOC સેન્ટરનો સંપર્ક કરવામાં આવ્યો હતો ત્યારે SEOC કંટ્રોલ રૂમમાં કંટ્રોલ સ્ટાફે ETV સાથેની વાતચીતમાં જણાવ્યું કે રાજ્યમાં વરસાદના કારણે 14 જેટલા માનવ મૃત્યું નોંધાયા છે. જેમાં સૌથી વધુ મૃત્યુ દાહોદ જિલ્લામાં 3 નોંધાયા છે જ્યારે અમરેલી, સુરેન્દ્રનગર, મહેસાણા, બોટાદ, પંચમહાલ, ખેડા, સાબરકાંઠા, અમદાવાદ અને સુરતમાં એક એક માનવ મૃત્યુ નોંધાયા છે. ભરૂચમાં 2 માનવ મૃત્યુ થયા છે. આ મૃત્યુ વીજળી પડવાથી થયા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે જ્યારે વરસાદના કારણે આશરે 39 જેટલા પશુ મૃત્યુ પણ નોંધાયા છે.
ગુજરાતમાં યેલો એલર્ટ જાહેર:રાજ્યના હવામાન વિભાગ દ્વારા 26 નવેમ્બર 2023 ના 8:30 કલાકથી 27 નવેમ્બર 2023 ના 8:30 કલાક સુધી થંડરસ્ટ્રોમ માટેનું યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમુક જિલ્લાઓમાં વરસાદની આગાહી પણ આપવામાં આવી છે. રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 27 નવેમ્બરના રોજ ગુજરાતના તમામ જિલ્લાઓ સહીત દાદરા નગર હવેલી જેવા વિસ્તારોમાં સામાન્ય વરસાદ અને ભારે પવન ફુકાવવાની શક્યતા છે. 28 નવેમ્બર 2023 સુધીમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાવનગર-અમરેલી જિલ્લામાં પણ વરસાદની આગાહી આપવામાં આવી છે.
43 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ:રાજ્યના બીજા સેન્ટર તરફથી મળતી માહિતી પ્રમાણે સવારના 6:00 વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધીમાં કુલ 43 તાલુકાઓમાં 25 mm થી વધુ વરસાદ ખાબક્યો હતો. 186 તાલુકાઓમાં 1 mm થી 24 mm સુધીનો વરસાદ નોંધાયો હતો. વરસાદના કારણે પાકને પણ નુકસાન થાય તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે.
- બનાસકાંઠા જિલ્લામાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન
- ભર શિયાળે નવસારી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કેરી, ચીકુ અને શાકભાજી પાકોને નુકસાન થવાની ભીતિ