ગાંધીનગર: મુખ્ય પ્રધાનના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં મળેલી રાજ્ય યોગ બોર્ડની બેઠકમાં વિશ્વ યોગ દિવસની ઉજવણીના આયોજન સંબંધે વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો. શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, રાજ્યકક્ષાના પ્રધાન ઇશ્વરસિંહ પટેલ, રાજ્યકક્ષાના પ્રધાન વિભાવરી દવે, યોગ બોર્ડના અધ્યક્ષ શીશપાલજી સહિત બોર્ડના સભ્યો આ બેઠકમાં જોડાયા હતા.
ગુજરાતમાં 21 જૂને વિશ્વ યોગ દિવસે ‘યોગ એટ હોમ, યોગ વિથ ફેમિલી’ તરીકે ઉજવાશે
ગુજરાતમાં આગામી 21 જૂન વિશ્વ યોગ દિવસને ભારત સરકારના દિશાનિદેશો મુજબ ‘‘યોગ એટ હોમ યોગ વીથ ફેમિલી’’ તરીકે રાજ્યભરમાં ઉજવાશે. કોરોના સંક્રમણ સામે દરેક ગુજરાતી આ યોગ-સાધનાથી રોગ પ્રતિકારક શકિત વધારી રક્ષણ મેળવે, કોરોનાને યોગથી હરાવે તેવી નેમ રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ વ્યકત કરી હતી.
મુખ્ય પ્રધાને આ બેઠકમાં કહ્યું કે, કોરોના સંક્રમણથી બચવા રોગ પ્રતિકારક શકિત વધારવી આવશ્યક છે. વિશ્વ આખું હવે એ તરફ સજાગ બન્યું છે અને યોગ-પ્રાણાયામના માધ્યમથી રોગ પ્રતિકારક શકિત વધારવા તરફ વળ્યું છે. પ્રાચીન ભારતીય સંસ્કૃતિની વિશ્વને ભેટ એવા યોગ-પ્રાણાયામનું મહત્વ રાજ્યમાં જન જન જસુધી વિસ્તરે તે માટે વિશ્વ યોગ દિવસ મહત્વનો બનશે એવો સ્પષ્ટ મત મુખ્ય પ્રધાને વ્યકત કર્યો હતો.
આ સંદર્ભમાં વિજય રૂપાણીએ યોગ બોર્ડ દ્વારા 21 જૂન વિશ્વ યોગ દિવસની ઉજવણી પૂર્વે એક સપ્તાહ એટલે કે તા. 14 જૂનથી યોગ-પ્રાણાયામનો વ્યાપક પ્રચાર-પ્રસાર લોકોમાં થાય જાગૃતિ વધે તે માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મના માધ્યમથી યોગ નિદેશનો-યોગ અંગે જાગૃતિ વ્યાખ્યાનો સહિત વિવિધ કાર્યક્રમો યોજવાનું માર્ગદર્શન આપ્યું હતું. મુખ્ય પ્રધાન રાજ્ય યોગ બોર્ડ દ્વારા જે યોગ પ્રશિક્ષકોને માનદ વેતનથી પસંદ કરવામાં આવ્યા છે. તે યોગ પ્રશિક્ષકો આ સપ્તાહ દરમિયાન અને 21 જૂને પણ યોગ નિદર્શનો-યોગ જનજાગૃતિમાં જોડાય તેવા આયોજનની હિમાયત કરી હતી.