ગાંધીનગર : લોકડાઉન દરમિયાન આંતર જિલ્લા હેરફેરમાં ખોટા પાસ બનાવીને ફરતા લોકો સામે ગઈકાલે બે ગુના નોંધાયા છે. જેમાં ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર ખાતે નવ લોકો અમદાવાદથી કોડીનાર જઈ રહ્યા હતા તે તમામ લોકો સામે ગુનો નોંધાયો છે. તે જ રીતે રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં અમુક શ્રમિકોને મહારાષ્ટ્ર લઇ જવાતા હોવાની માહિતીના આધારે વાહન માલિક સામે ગુનો નોંધી વાહન જપ્ત કરાયું છે.
રોડ પર ચાલીને જતા શ્રમિકોને રોકી શેલ્ટર હોમમાં રખાશે : DGP - કોરન્ટાઈન
પરપ્રાંતિય શ્રમિકો કે જે પગપાળા વતન રોડ માર્ગે જઈ રહ્યા છે. તે અંગે તમામ એકમોને સૂચના આપવામાં આવી છે કે, તેમને શેલ્ટર હોમમાં રાખીને વહીવટીતંત્રના સંકલનમાં રહીને વતન પહોંચાડવાની વ્યવસ્થા સુનિશ્ચિત કરે. નાગરિકો આંતર જિલ્લા હેરફેર શક્ય હોય ત્યાં સુધી ટાળે, એ આપના તથા સમાજના હિતમાં છે. કેમ કે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવાથી કોરોનાનો ચેપ ફેલાવાની શક્યતા વધુ છે. બિનજરૂરી અવર-જવર કરવી નહીં. અધિકૃત પાસ સાથે જ મુસાફરી કરવી અને ત્યાં પહોંચ્યા બાદ કોરન્ટાઈનમાં રહીને પૂરતી તકેદારી રાખવી અને અન્યને પણ રખાવવી.
![રોડ પર ચાલીને જતા શ્રમિકોને રોકી શેલ્ટર હોમમાં રખાશે : DGP રોડ પર ચાલીને જતા શ્રમિકોને રોકી શેલ્ટર હોમમાં રાખવામા આવશે : DGP](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7143516-thumbnail-3x2-dgp.jpg)
અમદાવાદ શહેર સહિત રેડ ઝોનવાળા વિસ્તારોમાં પ્રતિબંધોનું ચુસ્ત પાલન કરવામાં આવી રહ્યું છે. યોગ્ય સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતું હોય કે ભીડ જોવા મળે તેવાં સ્થળોએ પોલીસ સઘન ચેકિંગ કરી રહી છે તે માટે પણ નાગરિકો સહયોગ કરે તે જરૂરી છે.
કોરોના સંક્રમણને રોકવા માટે કાર્યરત પોલીસકર્મીઓ પણ સંક્રમણનો ભોગ બન્યા હતા. આવા 42 પોલીસકર્મીઓ સાજા થઈને પોતાની ફરજ પર હાજર થઈ ગયા છે. તે જ રીતે સંક્રમિત લોકોના સંપર્કમાં આવેલા 30 પોલીસકર્મીઓ પણ તકેદારીના ભાગરૂપે હોમ કોરોન્ટાઈનમાં હતા. તેઓ પણ કોરોન્ટાઈન પૂર્ણ કરીને ફરજ પર કાર્યરત થયા છે. ડ્રોનના સર્વેલન્સથી 173 ગુના નોંધાયા છે. આ સર્વેલન્સથી આજદિન સુધીમાં 12051 ગુના દાખલ કરીને 22315 લોકોની ધરપકડ કરાઈ છે. જ્યારે સ્માર્ટ સિટી અને વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ CCTV નેટવર્ક દ્વારા 97 ગુના નોંધીને 93 લોકોની ધરપકડ કરાઈ છે. આ રીતે અત્યાર સુધીમાં CCTVના માધ્યમથી 2953 ગુના નોંધીને 4082 લોકોની ધરપકડ કરવામાં આવી છે.