ગાંધીનગર: નાયબ મુખ્યપ્રધાન અને નાણા પ્રધાન નીતિન પટેલે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, શિક્ષકો બાદ અનેક કર્મચારીઓ સોશિયલ મીડિયામાં ગ્રેડ પે બાબતે અભિયાન ચલાવ્યું છે, અમુક તત્વો દ્વારા આ ઉશ્કેરણી કરવામાં આવી રહી છે. બની બેઠેલા નેતાઓ આવું બધું કરીને કર્મચારીઓને ગેર માર્ગે દોરી રહ્યા છે. ઘણા લોકોએ સરકારના નિર્ણયનું ખોટું અર્થઘટન કર્યું હતું. જેમાં શિક્ષકોને 4200 ગ્રેડ પે મળતો હતો, પણ સરકારના પરિપત્રને કારણે ગ્રેડ પે 2800 થઈ ગયો હતો તે પરિપત્ર સરકારે મુલતવી રાખ્યો છે. જેથી પહેલા જે 4200 ગ્રેડ પે આપવામાં આવતો હતો તે જ યથાવત રાખવામાં આવ્યો છે. એક રૂપિયાનો પગાર વધારો આપવામાં આવ્યો નથી, જ્યારે સોશિયલ મીડિયા મારફતે બીજા સરકારી કર્મચારીઓ ઉશ્કેરાયા હતા અને શિક્ષકોને 4200 ગ્રેડ પે મળતો જ હતો.
અમે સરકારી કર્મચારીઓમાં મતભેદ નથી રાખતા, નેતા બની બેઠેલા લોકો કર્મચારીઓને ગેરમાર્ગે દોરાવે છે : નીતિન પટેલ - સોશિયલ મીડિયા
શિક્ષકોને ગ્રેડ પે બાબતે સરકારે પરિપત્ર જાહેર કર્યા બાદ શિક્ષકોના પગારમાં ઘટાડો થયો હતો, ત્યારે સરકારે ફરીથી જુનો ગ્રેડ પે યથાવત રાખ્યો છે. ત્યારે હવે રાજ્યના તમામ સરકારી કર્મચારીઓના ગ્રેડ પે વધારવા માટે સોશિયલ મીડિયામાં આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે, ત્યારે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે સ્પષ્ટતા સાથે જણાવ્યું હતું કે, સરકાર કોઈ પણ સરકારી કર્મચારી સાથે ભેદભાવ નથી રાખતા જ્યારે અમુક લોકો જે પોતાની રીતે નેતા બની ગયા છે તેવા જ લોકો સરકારી કર્મચારીઓને ગેરમાર્ગે દોરી રહ્યા છે.
નાયબ મુખ્યપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, લોકડાઉન દરમિયાન પણ સરકારી કર્મચારીઓના પગાર તારીખ પ્રમાણે જ કરવામાં આવ્યા છે. કોઈપણ કર્મચારીનો પગાર કાપવામાં આવ્યો નથી જ્યારે અન્ય રાજ્યોમાં સરકારે પગારના બે હપ્તા કરીને કર્મચારીઓને પગાર ચૂકવ્યો છે. જ્યારે ગુજરાતમાં સંપૂર્ણ પગાર સમયસર ચૂકવવામાં આવ્યો છે. આ ઉપરાંત સરકાર કોઈ પણ કર્મચારીઓ વચ્ચે મત ભેદ નથી કરતું અને પગાર નક્કી કરવાનું કામ પગારપંચ કરે છે, ક્યાં કર્મચારીઓને પગાર વધશે, ક્યાં કેડરને પ્રમોશન આપવામાં આવશે, ક્યાં વિભાગને પગાર વધારો કરવામાં આવશે તે પગારપંચ નક્કી કરશે.