ગાંધીનગર :ગાંધીનગર ખાતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય પ્રધાન મંડળની બેઠક મળી હતી. રાજ્યના દરેક નાગરિકને પૂરતું પાણી મળી રહે તે માટે બેઠકમાં ચર્ચા-વિચારણા કરાઈ હતી. જેમાં રાજ્યના જળાશયમાં પીવાનું પાણી આરક્ષિત કરવામાં આવ્યું છે. હેન્ડ પંપની મરામત-નિભાવણી માટે જિલ્લાઓમાં 187 જેટલી ટીમ નિયુક્તિ કરાઈ છે. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં પાણી વિતરણ કરતા ઓપરેટરોને ITIમાં તાલીમ અને ટૂલ કીટ અપાઈ રહી છે. તેમજ દરિયાકાંઠા વિસ્તારમાં પાણીને લઈને પણ આયોજન કરવામાં આવ્યું છે.
રાજ્યના લોકો માટે સરકારનું આગોતરું આયોજન
ઉનાળામાં રાજ્યના નાગરિકોને પીવાના પાણી સહિત અન્ય જરૂરિયાત માટે વપરાતા પાણીની કોઇપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા પાણી વિતરણ માટે આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના 72 જળાશયો આધારિત જે જુથ યોજનાઓ પાણી મળશે, તે તમામ જળાશયોમાં પર્યાપ્ત માત્રામાં પીવાનું પાણી આરક્ષિત કરવામાં આવ્યું છે. ઉનાળાને ધ્યાને લઇ ચાલુ વર્ષે રાજ્યના 13 જિલ્લાઓમાં 325 નવીન ટ્યુબ વેલ પણ મારવામાં આવી છે. તેમજ 432 નવીન મિનિ યોજનાઓ પણ કાર્યરત કરવામાં આવી છે. - ઋષિકેશ પટેલ (પ્રવક્તા પ્રધાન)
DTH બોર બનાવવાનું આયોજન : વધુમાં પ્રવક્તા પ્રધાને કહ્યું હતું કે,ગુજરાત પાણી પુરવઠા બોર્ડ દ્વારા રાજ્યના નર્મદા આધારિત 10,040 ગામ અને અન્ય સરફેસ સોર્સ આધારિત 4420 ગામને મળી કુલ 14,460 ગામને પાણી પુરવઠો પૂરો પાડવા 266 જુથ યોજનાઓ અંતર્ગત આવરી લેવામાં આવ્યા છે. જ્યારે બાકી રહેતા ગામો મીની યોજના, ટ્યુબ વેલ, કુવા, હેન્ડ પમ્પ જેવા સ્થાનિક સોર્સ આધારિત સ્વતંત્ર યોજના મારફત પાણી મેળવી રહ્યા છે. આગામી દિવસોમાં જરૂરિયાત જણાયે નવા 200 ડી.આર. બોર તેમજ 3000 જેટલા ડી.ટી.એચ. બોર બનાવવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
આંતરિક પાણી વિતરણ : ઋષિકેશ પટેલ વધુમાં ઉમેર્યું હતું કે, હાલની ઉનાળાની પરિસ્થિતિને ધ્યાને લઇ હેન્ડ પંપની મરામત અને નિભાવણી માટે 14 જિલ્લાઓમાં 187 જેટલી ટીમ નિયુક્ત કરવામાં આવી છે. ગ્રામીણ વિસ્તારની આંતરિક પાણી વિતરણની યોજનાઓ સંભાળતા ઓપરેટરોને આઇ.ટી.આઇ. મારફત તાલીમ આપી, જરૂરી સાધનોની ટૂલ કિટનું વિતરણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત દર 15 દિવસે આ ઓપરેટરોને જુથ યોજનાના હેડવર્કસ પર રીફ્રેશર તાલીમ પણ આપવામાં આવે છે.