દહેગામ તાલુકાના છેવાડે આવેલા બારીયા ગામમાં પાણીની વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે. નાગરિકો છેલ્લા ત્રણ મહિનાથી પાણી માટે ટળવળી રહ્યા છે વાત્રક નદીના કિનારે આવેલું બારીયા ગામ પાણીની બૂંદ માટે તરસી રહ્યું છે. ત્યારે પશુપાલકો અને નાગરિકો ત્રાહિમામ પોકારી ગયા છે. ત્યારે આજે ગ્રામજનોએ ગ્રામ બાદ પંચાયત કચેરીએ પાણીને લઇને હલ્લાબોલ કર્યો હતો. છેલ્લા ત્રણ મહિનાથી ટળવળતી પ્રજાએ ગામમાં પાણી પૂરું પાડવા માટે રજૂઆત કરી હતી.
રૂપાણી સરકારના પાણી આપવાના દાવા વચ્ચે તરસ્યું છે, દહેગામનું બારીયા ગામ
ગાંધીનગર: સમગ્ર રાજ્યમાં પાણી માટે લોકો તરસી રહ્યા ત્યારે સૌરાષ્ટ્રના તમામ ડેમ તળિયાઝાટક થવા આવ્યા છે. ત્યારે સરકાર બેઠકો કરીને જુલાઈ મહિના સુધી પાણીની કોઇ સમસ્યા નથી તેવી વાતો કરી રહી છે, પરંતુ હકીકત કંઈક જુદી જોવા મળી રહી છે. જ્યારે દહેગામ તાલુકાના છેવાડે આવેલું બારિયા ગામ છેલ્લા 3 મહિનાથી પાણી માટે ટળવળી રહ્યું છે. ગ્રામ પંચાયતનું ટ્યુબવેલ હોવા છતાં નાગરિકોને પાણી મળતું નથી, ત્યારે ગ્રામજનો રોષે ભરાયા છે. ગ્રામજનો મોટી સંખ્યામાં પંચાયત કચેરીએ પહોંચી ગયા હતા અને પાણી માટે પોકાર કર્યો હતો.
ગ્રામ પંચાયત કચેરીના સભ્યએ કહ્યું કે, ગામમાં પાણીની સમસ્યા સર્જાઇ રહી છે. ત્યારે અમે આગામી 24 કલાકમાં તમામ ગ્રામજનોને પાણી મળી રહે તે માટે પ્રયાસ કરીશું. મહિલાઓએ કહ્યું કે, ગામમાં છેલ્લા ત્રણ મહિનાથી પાણીની સમસ્યા છે. પીવાનું પાણી પણ દૂર દૂરથી લાવવું પડે છે જ્યારે પશુધન માટે તો વાત જ કરી શકાય તેવી સ્થિતિ નથી. ત્યારે અમારી માંગ છે કે, પાણીના ટળવળતી પ્રજાને પાણીના કારણે મોત સહન કરવું ન પડે તે માટે જરૂરી પાણી પૂરું પાડવામાં આવે.
રાજ્યમાં દુષ્કાળના ડાકલા વાગી રહ્યા છે. મંત્રી નિવાસ સ્થાનની પાછળ આવેલા ગામડાઓમાં પણ પાણીની સમસ્યાએ માથું ઉચક્યું છે. ત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પાણી આપવા માટેની વ્યવસ્થાની વાતો કરવામાં આવી રહી છે પરંતુ ગાંધીનગર જિલ્લાના ગામડાઓ પાણી વિના ટળવળી રહ્યા છે