વડોદરા:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરાના વાઘોડિયાને નવી નગરપાલિકા બનાવવાની મંજૂરી આપી છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની નજીકના વિસ્તારમાં આવેલી વાઘોડિયા ઉપરાંત માડોધર અને ટીંબી ગ્રામ પંચાયતોને એકત્ર આ નવી વાઘોડિયા નગરપાલિકા બનાવવામાં આવશે. વાઘોડિયા, માડોધર અને ટીંબી ગ્રામ પંચાયતો વડોદરા મહાનગરપાલિકાના વિકસિત ગણાતા વાઘોડિયા રોડથી નજીકની ગ્રામ પંચાયતો છે. એટલું જ નહીં આ ગ્રામ પંચાયતોના વિસ્તારમાં મોટા ઉદ્યોગો, GIDC અને શૈક્ષણિક સંસ્થાઓ પણ આવેલી છે.
Waghodia New Municipality: વાઘોડિયા બનશે નવી નગરપાલિકા, CM ભૂપેન્દ્ર પટેલે કરી જાહેરાત
વડોદરા જિલ્લાના વાઘોડિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોનો ઔદ્યોગિક અને શૈક્ષણિક વિકાસ ધ્યાને લઈને મુખ્યમંત્રીએ મહત્વની જાહેરાત કરી છે. જે અંતર્ગત વડોદરા જિલ્લાની ત્રણ ગ્રામ પંચાયતો સમાવી નવી વાઘોડિયા નગરપાલિકાની રચના કરવામાં આવશે.
Published : Dec 29, 2023, 7:16 PM IST
ઉલ્લેખનીય છે કે બંધારણની જોગવાઈઓ અનુસાર જે તે વિસ્તારની વસ્તી, વસ્તીની ઘનતા અને સ્થાનિક વિસ્તારની આવક અને ભૌગોલિક પરિબળોને ધ્યાનમાં લઈ ગ્રામ પંચાયતો તથા આઉટગ્રોથ વિસ્તારોને નગરપાલિકામાં ભેળવવાની રાજ્ય સરકારને સત્તા મળેલી છે.
આ સંદર્ભમાં રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગે રિજીયોનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ-વડોદરા ઝોન, વડોદરા જિલ્લા કલેક્ટર અને વડોદરા મ્યુનિસિપલ કમિશનરે મુખ્યમંત્રી સમક્ષ આ રજૂઆત કરી હતી. વિકાસની આ ગતિને ધ્યાને લઈને શહેરી વિકાસ વિભાગ દ્વારા વાઘોડિયાને નગરપાલિકા બનાવવા કરેલી દરખાસ્તને અનુમોદન આપ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઘોડિયાને નવી નગરપાલિકા બનાવવાની દરખાસ્ત મંજૂર કરતાં હવે આ વિસ્તારને શહેરી સુખાકારી સુવિધાના વ્યાપક લાભ મળશે અને ઈઝ ઓફ લિવિંગમાં પણ વૃદ્ધિ થશે.