Annapurna Yojana: વિશ્વકર્મા જયંતિએ ઔદ્યોગિક શ્રમિકોનું સન્માન કરાયું, અનેક જિલ્લામાં અન્નપૂર્ણા યોજના શરૂ ગાંધીનગર: આજે વિશ્વકર્મા જયંતિ છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા આજે ગાંધીનગર ખાતે શ્રમ - રોજગારપ્રધાન બળવંતસિંહ રાજપૂતે વિશ્વકર્મા જયંતિએ શ્રમ પારિતોષિકથી રાજ્યના વિવિધ ક્ષેત્રના ઔદ્યોગિક શ્રમિકોનું સન્માન કર્યું હતું. જ્યારે કોરોનામાં બંધ થયેલ અન્નપૂર્ણ યોજના પણ તબક્કા વાર અનેક જિલ્લામાં શરૂ કરવામાં આવ્યું છે.
પારિતોષિક યોજના:શ્રમ અને રોજગાર પ્રધાન બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં તેમના મુખ્યપ્રધાન પદ કાળ દરમ્યાન શરૂ કરાવેલી આ શ્રમ પારિતોષિક વિતરણની શૃંખલામાં રાજ્ય સરકાર ઉદ્યોગોમાં સંકટ સમયે પોતાની આત્મસૂઝ, ઉત્પાદન અને ઉત્પાદકતામાં વધારો તથા ઔદ્યોગિક શાંતિ જાળવવામાં યોગદાન આપનારા શ્રમયોગીઓને વિવિધ પુરસ્કારોથી સન્માનિત કરે છે.
રાજ્ય સરકારે શ્રમિક કલ્યાણની અનેક યોજનાઓનો સફળતાપૂર્વક અમલ કર્યો છે. આમ શ્રમશક્તિના સક્રિય સહયોગને પરિણામે જ ગુજરાત વિકાસનું રોલ મોડલ બન્યુ છે. રાજ્ય સરકારના સાનુકૂળ અભિગમ ઉપરાંત શ્રમ શાંતિનો પણ મહત્વનો ફાળો રહેલો છે.--બળવંતસિંહ રાજપૂત (શ્રમ અને રોજગાર પ્રધાન)
આ પણ વાંચો રાજ્યની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓના અધિકારીઓની યોજાઈ સંયુક્ત બેઠક, CM પટેલે આપ્યા સૂચનો
અકસ્માત ઘટાડવાનું આયોજન:શ્રમ, કૌશલ્ય વિકસ અને રોજગાર વિભાગના અગ્ર સચિવ અંજુ શર્માએ જણાવ્યું હતું કે રાજ્યમાં ઔદ્યોગિક અકસ્માતો ઘટાડી શકાય તે માટે રાજ્ય સરકાર દ્વારા નક્કર પગલાં લેવામાં આવે છે. જેના પરિણામે આજે ઔદ્યોગિક અકસ્માતોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. અકસ્માતનો ભોગ બનનાર શ્રમિકોને આર્થિક સહાય પૂરી પાડવાના હેતુથી ઉદ્યોગકારોને પ્રોત્સાહિત કરવામાં આવે છે.
28 કરોડની મદદઃ જે અંતર્ગત છેલ્લા ત્રણ વર્ષમાં અકસ્માતનો ભોગ બનનાર શ્રમિકોને આશરે રૂપિયા 28 કરોડની સહાય ઉદ્યોગકારો દ્વારા ચુકવાઈ છે. તેમણે વધુમાં જણાવ્યું કે, શ્રમિકો કૌશલ્યવર્ધન માટે વધુને વધુ સુસજ્જ બને તે માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ ઔદ્યોગિક અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે. ઔદ્યોગિક ક્ષેત્રે શ્રમિકોની સુરક્ષા ખુબ જ આવશ્યક છે. ત્યારે ઔદ્યોગિક સુરક્ષાના અભ્યાસક્રમો અને તાલીમ આપવામાં આવે છે. દરેક કારખાનાઓમાં સુરક્ષા અધિકારીઓની નિમણૂક ફરજિયાત કરી છે તથા ઔદ્યોગિક સુરક્ષા સલાહાકાર અને ઓડિટ પણ ફરજિયાત કરાશે. જેના પરિણામે ઔદ્યોગિક સલામતી વધુ સુનિશ્ચિત થશે.
આ પણ વાંચો MLAને આનંદઃ સભ્યોના નિવાસ સ્થાનનો નક્શો તૈયાર, એક ફ્લોર પર 2 જ ફ્લેટ
કેટેગરી પ્રમાણે એવોર્ડ રજૂ કરાયા:રાજ્ય સરકાર દ્વારા રચાયેલ ઉચ્ચ કક્ષાની સમિતિ દ્વારા શ્રમયોગીઓની પસંદગી કરી રાજયમાં શ્રમયોગીઓએ કરેલ વિશિષ્ટ કામગીરી માટે અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત એમ દરેક રીજીયનમાં પારિતોષિકો આપવામાં આવે છે. રાજ્ય શ્રમ રત્ન પારિતોષિક અંતર્ગત પારિતોષિક દીઠ રૂપિયા 25,000 રાજ્ય શ્રમ ભૂષણ પારિતોષિક અંતર્ગત પારિતોષિક દીઠ રૂપિયા 15,000 રાજ્ય શ્રમ વીર પારિતોષિક દીઠ રૂપિયા 10,000 અને રાજ્ય શ્રમશ્રી/શ્રમદેવી પારિતોષિક અંતર્ગત પારિતોષિક દીઠ રૂપિયા 5000 ની રકમ આપવામાં આવે છે.
65 પુરસ્કારઃ રાજ્ય સરકાર દર વર્ષે શ્રમયોગીઓ દ્વારા ઉત્પાદનમાં, ગુણવત્તામાં તેમજ ઔદ્યોગિક શાંતિ જાળવવામાં અગ્રેસર કામગીરી તેમજ પોતાના જીવનું જોખમ ખેડીને અને તાકીદે પગલાં ભરીને જીવ બચાવ્યા હોય તેમજ મિલકતને બચાવી હોય તેવા શ્રમયોગીઓને શ્રમ રત્ન, શ્રમ ભૂષણ, શ્રમ વીર અને શ્રમ શ્રી – શ્રમ દેવી પુરસ્કારો જેવા 65 પુરસ્કારો આપવામાં આવ્યા છે.
રૂપિયા 5માં ભોજન મેળવે છે:શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત બાંધકામ શ્રમિકોને માત્ર ₹ 5માં ભોજન આપવામાં આવે છે. કોવિડ મહામારી બાદ ઓક્ટોબર 2022માં આ યોજના અંતર્ગત કામગીરી ફરી શરૂ કરવામાં આવી હતી અને માત્ર ચાર મહિનાના ગાળામાં 3 લાખ 90 હજારથી વધુ બાંધકામ શ્રમિકો આ યોજનાનો લાભ લઇ ચૂક્યા છે. નવા વર્ષના બીજા મહિનાથી એટલે કે ફેબ્રુઆરી મહિનાની શરૂઆતથી જ હવે દૈનિક ભોજન મેળવનાર લાભાર્થીઓની સંખ્યા રૂપિયા 11 હજાર થઇ ગઇ છે.
શ્રમિકો મેળવી શકશે ભોજન:શ્રમિક અન્નપૂર્ણાના તમામ કેન્દ્રો ઉપર ઈ-નિર્માણ કાર્ડની મદદથી ભોજન મેળવી શકાશે. કાર્ડનો ક્યુઆર (QR) કોડ સ્કેન કરાવીને ટિફિનમાં કે સ્થળ પર જ એક સમયનું ભોજન મેળવી શકાશે. જે લાભાર્થીઓ પાસે ઈ-નિર્માણ કાર્ડ ન હોય તેમના માટે બૂથ પર જ બાંધકામ શ્રમિકોની હંગામી ધોરણે નોંધણી થાય છે અને 15 દિવસ સુધી તેઓ ભોજન મેળવી શકે છે.