વિજય રૂપાણીએ ગાંધી પરિવારને આડે હાથ લેતાં કહ્યું કે, કોંગ્રેસની સરકારે વર્ષોથી માત્ર એક ગાંધી પરિવાર માટે કામ કર્યું છે. કેન્દ્ર સરકારે વર્ષોથી પડતર એવી કાશ્મીર માટેની કલમ 370 હટાવીને તેમજ ત્રિપલ તલાક અને હવે પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં વસતા અને યાતના ભોગવતા હિન્દુ સહિત અન્ય પાંચ લઘુમતિ સમુદાયોને ભારતની નાગરિકતા આપતો નાગરિકતા સુધારા કાયદો CAA નો અમલ કરીને ચૂંટણીમાં આપેલા વચનો પૂર્ણ કરવા તરફ આગળ વધી રહી છે.
CAAના સમર્થનમાં આજે મહાત્મા મંદિર ખાતે 10 હજારથી વધુ યુવાનોએ મુખ્યપ્રધાનની અપીલથી 88662 88662 પર મિસ્ડ કોલ કરીને પોતાનું સમર્થન આપ્યું હતું. વધુ માસ એકઠો થયો હોવાના કારણે રૂપાણીએ તક મેળવી લીધી હતી. 370ની કલમ દૂર કર્યા બાદ આ વર્ષે 26મી જાન્યુઆરીએ સૌ પ્રથમ વખત ભારતનો ત્રિરંગો કાશ્મીરમાં લહેરાશે. આ રાજકીય ઇચ્છા શક્તિના પરિણામે દેશ સહિતમાં અનેકવિધ નિર્ણયો કેન્દ્ર સરકાર દ્વારા લેવાઇ રહ્યા છે.
મહાત્મા મંદિરમાં CAA સમર્થન માટે સ્વામી વિવેકાનંદની જન્મ તિથિનો ઉપયોગ કરાયો અગાઉની સરકારોએ સ્વામી વિવેકાનંદ, મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઇ પટેલ, વીર સાવરકર, શ્યામજી કૃષ્ણવર્મા, સુભાષચંદ્ર બોઝના વિચારોને હાંસિયામાં ધકેલીને માત્ર ગાંધી અને નહેરૂ પરિવારને જ મહત્વ આપ્યું હતું. જ્યારે કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની સરકારે સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ એટલે કે, 12મી જાન્યુઆરીને સમગ્ર દેશમાં યુવા દિવસ તરીકે ઊજવીને દેશના યુવાનોમાં રાષ્ટ્રભક્તિનો એક નવો સંચાર કર્યો છે.
એટલું જ નહીં કોંગ્રેસે જેને દેશવિરોધી ગણાવીને અપપ્રચાર કરી રહી છે તેવા દેશભક્ત વીર સાવરકરને અંગ્રેજોએ આંદામાન-નિકોબારની જેલમાં કાળા પાણીની સજા કરી હતી તેને મોદીએ સ્મારક તરીકે જાહેર કરી, સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના નિર્માણ થકી અને ગુજરાતના સપૂત એવા શ્યામજી કૃષ્ણવર્માના અસ્થિને સ્વિટઝરલેન્ડથી ભારત લાવીને સન્માન સાથે વિસર્જન કરીને આ દેશભક્તોને યોગ્ય માન-સન્માન આપીને યુવાનોમાં રાષ્ટ્રભક્તિ માટેની અનેરી ચેતના જગાવી છે.