ગાંધીનગર :નરેન્દ્ર મોદીને ગ્લોબલ લીડર બનાવવા માટે વાઈબ્રન્ટ ગુજરાત સમિટે મહત્વની ભૂમિકા ભજવી છે. વાઈબ્રન્ટ ગુજરાત સમિટ પૂર્વની દાઓસ તરીકે પણ ઓળખાય છે. વિશ્વના તત્કાલીન નેતા, કોર્પોરેટ લીડર અને વિશ્વ વિભૂતિઓ હાજરીથી વાઈબ્રન્ટ ગુજરાત સમિટની નોંધ વિશ્વ લે છે. 2003 થી આરંભાયેલી વાઈબ્રન્ટ ગુજરાત સમિટને 20 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે કેવો છે વાઈબ્રન્ટ ગુજરાત સમિટનો ઇતિહાસ અને વાઈબ્રન્ટ સમિટે ગુજરાતના વિકાસને કેવી રીતે બદલ્યો એ જાણીએ આ સ્પેશિયલ સ્ટોરીમાં...
પ્રથમ વાઈબ્રન્ટ ગુજરાત સમિટ - 2003 : ગુજરાતની પ્રથમ વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2003માં યોજાઇ હતી. જે નવરાત્રી પર્વના સમયે અમદાવાદના સાયન્સ સિટી અને સુરત એમ બે શહેરોમાં યોજાઇ હતી. આ સમિટનો મુખ્ય હેતુ ઔદ્યોગિક રોકાણમાં વૃદ્ધિ, એગ્રો-પ્રોસેસિંગને મહત્વ અને બાયો-ફાર્માના વિકાસનો હતો. તત્કાલિન નાયબ વડાપ્રધાન એલ. કે. અડવાણીએ વાઈબ્રન્ટ સમિટનું ઉદ્ધાટન કર્યું હતું. મુકેશ અંબાણી સહિત અરુણ શૌરી, રામ નાયક પ્રથમ વાઈબ્રન્ટ સમિટમાં જોડાયા હતા. સમિટના અંતે 14 અબજ ડોલરના રોકાણની કિંમતના 75 એમઓયુ થયા હતા.
બીજી વાઈબ્રન્ટ ગુજરાત સમિટ - 2005 :આ વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2003 બે દિવસ માટે યોજાઇ હતી. તત્કાલીન ઉપરાષ્ટ્રપતિ ભૌરોસિંહ શેખાવતે તેનું ઉદ્ધાટન કર્યું હતું. જેમાં છ હજાર સહભાગીઓ જોડાયા હતા. આ સમિટમાં મુકેશ અંબાણી, ગૌતમ અદાણી અને શશી રૂઇયા જેવા ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા. પ્રથમ દિવસે જ 870 અબજ ડોલરના એમઓયુ થયા હતા. આ વાઈબ્રન્ટ સમિટ ઉત્તરાયણ પર્વ સમયે યોજાઇ હતી. એન્જિનિયરીંગ અને ગેસ સેક્ટરને કેન્દ્રમાં રાખીને આશરે 1060 અબજ રૂપિયાની કિંમતના કુલ 226 એમઓયુ થયા હતા.
ત્રીજી વાઈબ્રન્ટ ગુજરાત સમિટ - 2007 :પહેલી વાર આ વાઈબ્રન્ટ સમિટમાં શબ્દ પ્રયોજાયો કે, ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન છે. 12 અને 13 જાન્યુઆરી 2007 દરમિયાન ત્રીજી વાઈબ્રન્ટ સમિટ યોજાઇ હતી. આ સમિટમાં ગુજરાતમાં ઉદ્યોગો માટે રેડ કાર્પેટ છે, રેડ ટેપ નથી અને રૂપિયામાં રોકાણ કરો, ડોલરમાં નફો કરો એ વાતથી વિદેશી રોકાણકારોમાં વિશ્વાસ વધ્યો હતો. આ સમિટનો હેતુ એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ, એન્જિનિયરીંગ, ઓટોમોબાઇલ, સિરામિક, કાપડ, અને હિરા-જવારત ઉદ્યોગના વિકાસનો હતો. ચાર દિવસ ચાલેલી આ વાઇબ્રન્ટ સમિટ ગુજરાત ડિસ્કવર્ડથી ઓળખાઇ હતી. આ સમિટમાં કુલ 675 એમઓયુ થયા, જેમાં અંદાજિત રોકાણ 152 અબજ ડોલર સુધીનું હતું.
ચોથી વાઈબ્રન્ટ ગુજરાત સમિટ - 2009 :વર્ષ 2009 ની 12 અને 13 જાન્યુઆરીના રોજ ચોથી વાઈબ્રાન્ટ સમિટ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાઇ હતી. આ સમિટનો હેતુ ગુજરાત ગ્લોબલ ડેસ્ટિનેશન હતો. આ સમિટમાં કુસ 8,662 એમઓયુ થયા જેનું અંદાજિત મૂડી રોકાણ 243 અબજ ડોલરનું હતુ. કુલ 45 દેશના પ્રતિનિધિઓ અને નેતાઓ હાજર રહ્યા હતા. રતન ટાટા, કે.વી. કામત, મુકેશ અંબાણી, કુમાર મંગલમ બિરલા, અનિલ અંબાણી, સુનિલ મિત્તલ સહિતના ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા. જાપાન આ સમિટનું પાર્ટનર હતું.