ગાંધીનગર: વાઈબ્રન્ટ ગુજરાતની 10મી આવૃત્તિ માટે નવી દિલ્હીમાં યોજાયેલા કર્ટન રેઝર અને મુંબઈ, ચંદીગઢ અને જાપાનમાં સફળ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રોડ શૉ બાદ, વાઈબ્રન્ટ ગુજરાત 2024ના પ્રતિનિધિમંડળે આજે કોલકાતા રોડ શૉનું સફળતાપૂર્વક સમાપન કર્યું હતું. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ રોડ શૉમાં ગુજરાત સરકારનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ પ્રસંગે ગુજરાત સરકારના અધિકારીઓ સહિત ઉદ્યોગ જગતના પ્રતિષ્ઠિત હસ્તીઓ હાજર રહ્યા હતા.
ઉદ્યોગપતિઓ સાથે બેઠક: રોડ શૉ પહેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉદ્યોગ જગતના વિવિધ મહાનુભાવો સાથે વન ટુ વન બેઠક કરી હતી. જેમાં વેસુવિયસ ઈન્ડિયા લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર નીતિન જૈન, એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના લિગલ એન્ડ કોર્પોરેટ અફેર્સના પ્રેસિડેન્ટ અને કંપની સેક્રેટરી જિતેન્દ્ર કુમાર, મૉલકોમ ઈન્ડિયા લિ.ના ડિરેક્ટર ગિરિરાજ માલ, ટીટાગઢના ડિરેક્ટર પ્રિતિશ ચૌધરી, પર્પલ માઇક્રોપોર્ટ સાયન્ટિફિક ઇન્ડિયા પ્રા. લિમિટેડના વાઇસ પ્રેસિડેન્ટ અને ડેપ્યુટી સીઇઓ દિનેશ અરોરા, બર્જર પેઇન્ટ્સ ઇન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ અને પ્રોડક્શન, મેન્યુફેક્ચરિંગ અને એન્જિનિયરિંગના ગ્રુપ હેડ શ્રી રાજેશ તિવારી, IFB એગ્રો ઇન્ડસ્ટ્રીઝ લિ.ના MD શ્રી એ. મુખોપાધ્યાય, આઈએફબી ઈન્ડસ્ટ્રીઝના સીએફઓ આર. ચૌધરી, શ્યામ મેટલિક્સ એન્ડ એનર્જી લિમિટેડના CEO દીપક ગોયલ, સેનકો ગોલ્ડ લિમિટેડના મેનેજીંગ ડિરેક્ટર સુવંકર સેન, એટમોસ્ફિયરના મેનેજિંગ ડિરેક્ટર એસ. મોહાપાત્રા સાથે બેઠકો કરી હતી.
ગુજરાત બન્યું રોકાણકારોની પસંદ: આ બેઠકો દરમિયાન હર્ષ સંઘવીએ વાઇબ્રન્ટ ગુજરાત સમિટની સફળતા અંગે વાત કરી હતી અને છેલ્લા બે દાયકામાં ગુજરાત કેવી રીતે વિકાસ માટે રોલ મોડેલ અને પસંદગીનું રોકાણ સ્થળ બન્યું છે તેના પર ભાર મૂક્યો હતો. તેમણે ગુજરાતના નીતિ-આધારિત અભિગમને રાજ્યમાં રોકાણ માટેના આકર્ષણનું શ્રેય આપતાં 2002 અને 2022 ની વચ્ચે US$ 55 બિલિયનની ગુજરાતની સંચિત એફડીઆઈ અંગે પણ વાત કરી હતી. સાથે ગુજરાતની વિવિધ પોલિસીઓ જેમકે ગુજરાત રિન્યુએબલ પોલિસી 2023,આત્મનિર્ભર ગુજરાત સ્કિમ 2022, ઈન્ટિગ્રેટેડ લોજિસ્ટિક્સ અને લોજિસ્ટિક્સ પાર્ક પોલિસી 2021, ઇલેક્ટ્રિકલ વ્હીકલ પોલિસી 2021, ટુરીઝમ પોલિસી અને ટેક્સટાઈલ પોલિસી અંગે વાત કરી હતી.