ગુજરાત

gujarat

ETV Bharat / state

VGGS 2024 : ક્લાઇમેટ ચેન્જ જેવી વૈશ્વિક સમસ્યા સાથે લડવા ગુજરાત મંચ આપશે, ટુવર્ડ્સ નેટ ઝીરો પર વિશેષ સેમિનાર - ટૂવર્ડ્સ નેટ ઝીરો

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 દરમિયાન વિવિધ વિષયો પર સેમિનાર યોજાનાર છે. ત્યારે 12 જાન્યુઆરીના રોજ વન અને આબોહવા પરિવર્તન વિભાગ દ્વારા વિશેષ સેમિનાર આયોજિત કરવામાં આવ્યો છે. જેમાં ક્લાઇમેટ ચેન્જ જેવી વૈશ્વિક સમસ્યા પર ચર્ચા કરવા વિશ્વભરના નેતાઓ ઉપસ્થિત રહેશે. જુઓ સંપૂર્ણ વિગત...

VGGS 2024
VGGS 2024

By ETV Bharat Gujarati Team

Published : Jan 2, 2024, 3:23 PM IST

ગાંધીનગર :વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 દરમિયાન પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન વિભાગ દ્વારા ટૂવર્ડ્સ નેટ ઝીરો (Towards Net Zero) થીમ પર એક સેમિનાર આયોજિત કરવામાં આવશે. આ સેમિનાર 12 જાન્યુઆરી 2024 ના રોજ સવારે 10:00 થી બપોરે 1:00 વાગ્યા દરમિયાન ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે સેમિનાર હોલ 1 માં યોજાશે.

પીએમ મોદીની હાકલ :આ અંગે ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ સંજીવ કુમારે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ સેમિનાર ક્લાઇમેટ ચેન્જના વૈશ્વિક મુદ્દા સામે લડત આપવાની રાષ્ટ્રીય પ્રતિબધ્ધતાથી પ્રેરિત છે. વડાપ્રધાન મોદીએ ગ્લાસગોમાં યોજાયેલી COP 26 કોન્ફરન્સમાં ગ્લોબલ ક્લાઇમેટ મીટમાં પંચામૃત દ્વારા ક્લાઇમેટ ચેન્જના લક્ષ્યાંકને હાંસલ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.

પંચામૃત લક્ષ્ય :આ પંચામૃતમાં 2030 સુધીમાં ભારતની બિન-અશ્મિભૂત ઉર્જા ક્ષમતા 500 ગીગાવોટ કરવી, 2030 સુધીમાં ભારતની 50% ઊર્જા જરૂરિયાત રિન્યુએબલ એનર્જીમાંથી પૂર્ણ કરવી, અત્યારથી માંડીને 2030 સુધીમાં કુલ અંદાજે કાર્બન ઉત્સર્જનમાં એક અબજ ટનનો ઘટાડો કરવો, 2005 ના સ્તરથી 2030 સુધીમાં અર્થતંત્રની કાર્બન તીવ્રતા 45%થી નીચે લઈ જવી અને 2070 સુધીમાં નેટ ઝીરો ઉત્સર્જન હાંસલ કરવું છે.

રુ. 2217 કરોડના MoU :સંજીવ કુમારે વધુમાં જણાવ્યું કે, ગુજરાત વન વિભાગે મેન્ગ્રોવ વૃક્ષોના વાવેતર દ્વારા કાર્બન ધિરાણ માટે રુ. 2217 કરોડના ત્રણ MoU પર હસ્તાક્ષર કર્યા છે. દેશમાં આ પ્રકારની આ પ્રથમ ઘટના છે. આ ઉપરાંત કાર્બન ધિરાણના ક્ષેત્રમાં કૃષિ-વનીકરણના માધ્યમથી પણ MoU કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત વૃક્ષારોપણ, પ્રકૃતિ શિક્ષણ શિબિર, સંસાધન વ્યક્તિ અને વન્યજીવ બચાવના ક્ષેત્ર માટે નોલેજ શેરિંગના ક્ષેત્રમાં 50 થી વધુ MoU થયા છે. ગુજરાત રાજ્ય ભીની જમીન એટલે કે વેટલેન્ડ્સમાં કાર્બન પૃથક્કરણની સંભાવના અંગે પણ અન્વેષણ કરી રહ્યું છે. ઉપરાંત ગીર (GEER) ફાઉન્ડેશન દ્વારા ચાર રામસર સાઇટ, જેમાં નળ સરોવર, થોળ, ખીજડીયા અને વઢવાણા પર કાર્બન અંગે અભ્યાસ હાથ ધરી રહ્યું છે.

બહુઉદ્દેશીય સેમિનાર :આ સેમિનાર શૈક્ષણિક સંસ્થાઓ, ઉદ્યોગો, ઔદ્યોગિક સંગઠન, બહુરાષ્ટ્રીય સંસ્થાઓ, રોકાણ અને બેંકિંગ સંસ્થા, જાહેર ક્ષેત્રના ઉપક્રમો (PSUs), વિદ્વાનો, સંશોધકો, સલાહકારો, બિન-સરકારી અને બિન-નફાકારક સંસ્થાનું પ્રતિનિધિત્વ કરતા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓને અર્થપૂર્ણ ચર્ચા કરવા અને સેમિનારમાં ઉપસ્થિત લોકો સાથે તેમના મૂલ્યવાન મંતવ્યોને શેર કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડશે. તમામ સંબંધિત હિતધારકો, ઉદ્યોગ નિષ્ણાતો અને નીતિ નિર્માતાઓને સેમિનારમાં જોડાવા માટે હાર્દિક આમંત્રણ છે.

ક્લાઈમેટ ચેન્જ વૈશ્વિક સમસ્યા :સંજીવ કુમારે જણાવ્યું કે, સેમિનારનો ઉદ્દેશ વૈશ્વિક અને રાષ્ટ્રીય નેતાઓને નેટ ઝીરો, અર્થતંત્રના ડિકાર્બનાઇઝેશન અને કાર્બન ટ્રેડિંગ પર તેમના મંતવ્યો શેર કરવા માટે એક સાથે લાવવાનો છે. નેટ ઝીરોની દિશામાં આગળ વધવા માટે પ્રવર્તમાન ટેકનોલોજીનું અપગ્રેડેશન, નવી ટેકનોલોજીને અપનાવવી, નાણાં અને રોકાણો, નીતિઓ અને સંસ્થાકીય સ્થાપના, દૂરંદેશીપૂર્ણ શાસન, લોકોની ક્ષમતાનું નિર્માણ અને આત્મવિશ્વાસના યોગ્ય મિશ્રણના ઉદ્દેશ્યથી વ્યૂહાત્મક હસ્તક્ષેપની આવશ્યકતા રહેશે.

વિશેષ પ્લેનરી સત્ર : આ સેમિનારમાં સીએમ ભૂપેન્દ્ર યાદવ અને ફિનલેન્ડ એમ્બેસીના કાઉન્સેલર કિમો સિરા સહિત વિવિધ વિભાગના ચેરમેન અને અધ્યક્ષ સહિત મહેમાનો ઉપસ્થિત રહેશે. કાર્યક્રમના ઉદઘાટન સત્ર બાદ એક ફિલ્મનું સ્ક્રિનિંગ થશે અને ત્યારબાદ વિવિધ સંબોધન સત્ર યોજાશે. જેમાં ‘અર્થતંત્રનું ડિકાર્બનાઇઝેશન’ અને ‘કાર્બન ટ્રેડિંગ’ પર પ્લેનરી સત્ર યોજાશે.

  1. Gandhinagar News: ખેડૂતોના નામે થતી ટેક્સચોરી બંધ થશે, તમામ પશુપાલકો અને ખેડૂતોના ડિસ્ટ્રિક્ટ બેન્કમાં એકાઉન્ટ ખોલાશે
  2. આજે હૈદરાબાદમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ રોડ શો, જગદીશ વિશ્વકર્મા રોકાણકારોને આકર્ષવાનો કરશે પ્રયાસ

ABOUT THE AUTHOR

...view details