ગાંધીનગરઃ ઉતરાયણમાં પતંગ ચકાવવાનો આનંદ જ અનેરો છે, પણ આ પતંગ ચકાવવાના શોખને લીધે કોઈક ઘાયલ થાય અથવા જીવ ગુમાવે તે વ્યાજબી નથી. ઉતરાયણ દરમિયાન ચાયનીઝ દોરી(માંજા)થી માણસો, પશુ-પક્ષી ઘાયલ થાય તેવા અનેક બનાવો બનતા હોય છે. અનેક કિસ્સાઓમાં તો માણસોએ જીવ પણ ગુમાવ્યો પડતો હોય છે. તેથી રાજ્ય સરકારે ચાયનીઝ દોરી પર પ્રતિબંધ લગાડી દીધો છે.
ખરીદનાર પણ ગુનેગારઃ રાજ્ય સરકાર દર વર્ષે ચાયનીઝ દોરીના વેપાર પર પ્રતિબંધ લગાડે છે. આ વર્ષે પણ ગૃહ પ્રધાને જાહેરમાં નિવેદન આપીને ચાયનીઝ દોરીના વેપાર, વપરાશ પર પ્રતિબંધ લગાડ્યો છે. તેમણે ચાયનીઝ દોરીને વેચતા જ નહિ પણ ખરીદનાર પણ ગુનેગાર ગણાશે તેવું કહ્યું છે. ચાયનીઝ દોરીને લીધે અબાલ વૃદ્ધ અનેક વાર ઘાયલ થઈ જાય છે. કેટલાક કિસ્સાઓમાં તો મહામૂલી માનવ જિંદગી પણ હોમાઈ જાય છે. અનેક પરિવારના એકના એક આધાર પણ છીનવાઈ જતા હોય છે. તેથી જ રાજ્ય સરકારે ચાયનીઝ દોરીના ખરીદ વેચાણ પર પ્રતિબંધ લગાડી દીધો છે.
ચાયનીઝ દોરીના વેચાણની માહિતી આપવા અપીલઃ ગુજરાતના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ જાહેર જનતાને એક અપીલ પણ કરી છે. હર્ષ સંઘવીએ તમામ નાગરિકોને અપીલ કરી છે કે આપની આસપાસ ક્યાંય પણ ચાયનીઝ દોરીની ખરીદ વેચાણ ચાલતી હોય તો ઓથોરિટીને જાણ કરે. જેનાથી ચાયનીઝ દોરીનું વેચાણ અટકાવી શકાય અને તેનાથી થતા અકસ્માતોની સંખ્યા ઘટાડી શકાય.