ગાંધીનગરઃ શહેરના સેકટર-24માં આવેલા ફોટો સ્ટુડિયોના માલિક દ્વારા 3D માસ્ક બનાવવામાં આવ્યું છે. કોરોના વાયરસને લઈને હવે ચહેરા ઉપર માસ્ક અને બજારમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખવું પડશે. આવનાર સમયમાં મહિનાઓ સુધી આ કામગીરી કરવી પડશે. હાલમાં લોકો માસ્ક પહેરીને મુશ્કેલી અનુભવી રહ્યાં છે. ખાસ કરીને ક્યાંક જવા નીકળેલા લોકોનો ચહેરો જોવા મળતો નથી, તેને લઈને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. કોરોનાએ એક પ્રકારે તબાહી મચાવી દીધી હોય એવું જોવા મળી રહ્યું છે. આ તબાહી વચ્ચે ગાંધીનગરના ફોટોગ્રાફરે ધૂમ મચાવી દીધી છે.
ગાંધીનગરમાં લૉકડાઉનમાં બેરોજગાર થયેલાં ફોટોગ્રાફરે એવો માસ્ક બનાવ્યો કે તમારો ચહેરો સાફ દેખાશે - ફોટો માસ્ક
કોરોના વાયરસથી દુનિયા સહિત ગુજરાત પણ ગુજરાત પણ હલબલી ગયું છે, ધંધા રોજગાર પડી ભાંગ્યાં છે. ખાનગી કંપનીઓમાં છટણી થવાનો કર્મચારીઓને ભય સતાવી રહ્યો છે. તેવા સમયે લૉક ડાઉનમાં બેરોજગારીનો સામનો કરી રહેલા એક ફોટોગ્રાફરે પોતાની આગવી સૂઝબૂઝ દ્વારા ધંધાને નવો વેગ આપ્યો છે. જ્યારે લોકોની સમસ્યાઓનું સમાધાન કર્યું છે. માસ્ક પહેર્યો હોવા છતાં તમારો ચહેરો સાફ જોવા મળશે તેવું ઇનોવેશન કરાયું છે.
પીએમ નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર અભિયાનને ખરા અર્થમાં સાર્થક કરવામાં આવ્યું છે. પોતાની આગવી કુનેહ દ્વારા તમારો ફોટો પાડીને માસ્ક ઉપર પ્રિન્ટ કરવામાં આવે છે. જેને ચહેરા ઉપર પહેર્યાં બાદ તમારો ચહેરો સાફ અને પૂરો જોવા મળશે. ગાંધીનગર શહેરમાં થ્રીડી માસ્કની બોલબાલા જોવા મળી રહી છે. ઇનોવેશન કરનાર બિલ્લુ શર્માએ કહ્યું કે, ફોટોગ્રાફરો બેરોજગાર થઇ ગયાં હતાં. બીજો ધંધો કરવાની મથામણ કરી રહ્યાં હતાં, તેવા સમયે પોતાનો ધંધો ચાલુ રાખવા, રોજગારી મેળવવા માટે આ પ્રકારનું ઇનોવેશન કરવામાં આવી રહ્યું છે.