ગુજરાત

gujarat

ETV Bharat / state

સર્વશિક્ષા અભિયાનના કરાર આધારીત કર્મચારીઓ CMના કાર્યક્રમમાં કરશે 'બેસણું' - Gujarati news

ગાંધીનગરઃ સર્વશિક્ષા અભિયાન કચેરી અંતર્ગત કામગીરી બજાવતા કરાર આધારિત કર્મચારીઓએ તંત્ર સામે વિરોધ નોંધાવ્યો છે. તેમના જણાવ્યાં પ્રમાણે, ભાજપા સરકાર દ્વારા તેમની સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે. કાયમી કર્મચારીઓને અધધ પગાર અપાય છે. જ્યારે તેમને નજીવા દરે પગાર આપવામાં આવે છે.

સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત કરારના આધારીત કર્મચારીઓ મુખ્યપ્રધાનના કાર્યક્રમમાં સફેદ કપડાં પહેરી 'બેસણું' કરશે

By

Published : Jun 4, 2019, 6:41 PM IST

આ સાથે જ તેમણે જણાવ્યું કે, તેઓને કોઇ સરકારી લાભ પણ આપવામાં આવતો નથી. જેથી રોષે ભરાયેલી કર્માચારીઓએ આગામી દિવસમાં મુખ્યપ્રધાનના કાર્યક્રમમાં સફેદ કપડાં પહેરીને બેસણું યોજી વિરોધ નોંધાવાનો નિર્ણય લીધો છે.

રાજ્યમાં ભાજપની સરકાર દ્વારા સરકારમાં ફરજ બજાવતા અને એક જ પ્રકારની કામગીરી કરતા કર્મચારીઓ પ્રત્યે એકને ગોળ અને બીજાને ખોળ જેવી નીતિ અપનાવવામાં આવે છે. કાયમી કર્મચારીને તોતિંગ પગાર અપાય છે. જ્યારે તેના કરતાં પણ વધારે કામગીરી કરતાં આઉટસોર્સિંગના કર્મચારીને માંડ માંડ ઘર ચાલે તેટલું મહેનતાણું આપવામાં આવે છે. તેવી ફરિયાદ સાથે સર્વ શિક્ષણ અભિયાન કચેરી અંતર્ગત કામ કરતા કર્મચારીઓ કેટલા સમયથી પગાર સહિતના અન્ય લાભો બાબતે સમાન કામ સમાન વેતનની માંગ કરી રહ્યા છે. જેની સામે તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. જેથી કર્માચરીઓએ આગામી 9 જૂનના રોજ મુખ્યપ્રધાનના કાર્યક્રમમાં સફેદ કપડાં પહેરીને બેસણું યોજી વિરોધ નોંધાવાનો નિર્ણય લીધો છે.

સર્વશિક્ષા અભિયાનના કરાર આધારીત કર્મચારીઓ CMના કાર્યક્રમમાં કરશે 'બેસણું'
આ ઘટના અંગે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ફરજ બજાવતા વિલાસબેન દવેએ જણાવ્યું હતું કે," રાજ્યમાં સર્વ શિક્ષા અભિયાન કચેરી સંપૂર્ણપણે કરાર આધારિત કર્મચારીઓના નેજા હેઠળ ચાલી રહી છે. કર્મચારીઓને પૂરતું વેતન આપવામાં આવતું નથી. એક જ કામગીરી હોવા છતાં લાભ આપવાની વાતમાં અલગ અલગ રકમ આપીને ભેદભાવ કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજે અમે ગાંધીનગર શહેરના સેક્ટર 17માં આવેલી સર્વ શિક્ષા અભિયાનની કચેરીએ રાજ્યના તમામ કરાર આધારિત કર્મચારી એકઠાં થયા હતા, અને સચિવને આવેદનપત્ર આપ્યું હતું. મહિલા કર્મચારીઓ સાથે પણ ભેદભાવ કરવામાં આવી રહ્યો છે. સરકારમાં ફરજ બજાવતી મહિલાઓને છ મહિના સુધી મેટરનીટી લીવ આપવામાં આવે છે જ્યારે સર્વ શિક્ષા અભિયાનમા ફરજ બજાવતી મહિલાઓને તે જ બાબતે માત્ર ત્રણ મહિનાની રજા આપવામાં આવે છે".
આ ઉપરાંત તેમણે કહ્યું કે, "અમારી સાથે થતાં આ ભેદભાવ અંગે અમે અનેકવાર સરકારમાં રજૂઆત કરી છે. પણ તંત્ર અમારી માંગ ધ્યાન આપી રહ્યું નથી. માટે અમે આગામી 9 જૂનના રોજ મુખ્યપ્રધાનનો કાર્યક્રમ છે. ત્યાં સફેદ કપડાં પહેરીને અમે વિરોધ નોંધાવવાનો નિર્ણય લીધો છે. તેમજ 13 થી 15 તારીખ દરમિયાન શાળા પ્રવેશોત્સવ યોજાવાનો છે. તેમાં પણ અમારા તમામ કરાર આધારિત કર્મચારીઓ કામગીરીથી દૂર રહેશે. અમારા વિરોધ છતાં પણ જો સરકાર કોઇ પગલાં નહીં લે તો, સમગ્ર રાજ્યમાં યોજાવનાર પેન ડ્રોપ કાર્યક્રમમાં પણ અમે વિરોધ કરીશું. પણ અમારી લડાઇને અધૂરી મૂકીશું નહીં. "અમારી આ માંગ વિશે અમે અમિત શાહના મધ્યસ્થ કાર્યાલયમાં ચૂંટણીપૂર્વે રજૂઆત કરી હતી. ત્યારે ભાજપના નેતાઓએ ઠાલા વચન આપીને અમને વિશ્વાસમાં લીધા હતા. જેથી અમે તેમની વાત માની અમે અમને મળનાર અધિકારોની રાહ જોઇને બેઠાં હતા. પણ મહિનાઓ વીત્યા હોવા છતાં તંત્ર દ્વારા કોઇ પગલાં ન લેવાતા અમારે આ વિરોઘ નોંધાવવાની ફરજ પડી છે."
આમ, ભાજપા સરકાર દ્વારા સર્વશિક્ષા અભિયાન અંતર્ગત કરાર આધારીત કર્મચારીઓ સાથે થતાં ભેદભાવ દૂર કરવા માટે તેમને સરકાર પર હલ્લાબોલ કરવાનો નિર્ણય લીધો છે. જેથી તેમને સમાન વેતન સમાન પગારનો અધિકાર મળી શકે.

ABOUT THE AUTHOR

...view details