ગાંધીનગર તાલુકા પંચાયતની 36 બેઠક માટે દોઢ વર્ષ પહેલા ચૂંટણી યોજાઈ હતી. જેમાં કોંગ્રેસના 18 બેઠક ભાજપને 15 બેઠક અને 3 અપક્ષો મેદાન મારી ગયા હતાં. બહુમતી કોંગ્રેસની હોવા છતાં ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખ હાલમાં સત્તા સ્થાન ઉપર બેઠા છે, ત્યારે ઉનાવા બેઠકના વિજય થયેલા ઉમેદવાર રાજેન્દ્રસિંહ ડાભીનું હૃદયરોગના હુમલાના કારણે મોત થતા આ બેઠક ખાલી પડી હતી, જેને લઇને આજે મતદાન યોજાયુ હતું. ઉનાવા બેઠક ઉપર કુલ 9559 મતદારો નોંધાયા છે. જેમાં 4905 પુરુષ અને 4654 સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે.
ઉનાવા પેટા ચૂંટણીમાં 67 ટકા મતદાન, ભાજપનો ઠાકોર તો કોંગ્રેસનો પાટીદાર ઉમેદવાર - ભાજપનો ઠાકોર
ગાંધીનગરઃ તાલુકા પંચાયતની ઉનાવા બેઠકની આજે પેટાચૂંટણી યોજાઇ હતી. ભાજપે ઠાકોર ઉમેદવારને જ્યારે કોંગ્રેસે પાટીદાર ઉમેદવારને ટિકિટ આપી હતી. બંને ઉમેદવારો ઉનાવા ગામના હોવાના કારણે ચૂંટણી ભારે રસાકસી વાળી બની હતી. આ બેઠક ઉપર પેટાચૂંટણીમાં 67 ટકા મતદાન નોંધાયું છે. જેમાં ઉનાવાના મતદારોએ ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતુ. જેને લઇને ભાજપ પાસે રહેલી બેઠક કોંગ્રેસના પંજામાં આવે તેવી શક્યતા જોવા મળી રહી છે. ઉનાવામાં 5821, પીંડારડામાં 1441 જ્યારે પીપલજમાં 1702 મતદાર નોંધાયા છે.
પેટાચૂંટણીમાં ઉનાવા ગામના તમામ છ બુથ ઉપર સવારે 8 કલાકથી લઈને સાંજના 5 વાગ્યા સુધી સતત મતદાનનો આંકડો ઉપર જોવા જતો મળતો હતો. દિવસ દરમિયાન ઉનાવા પીંપળજ અને પીંડારડા ગામમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું હતુ. જેમાં 3483 પુરુષ મતદારો, જ્યારે 2925 મહિલા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. કુલ 9559 મતદારોમાંથી 6408 મતદારોએ મતદાન કર્યું હતું, ત્યારે 67 % મતદાન નોંધાયું છે. બંને ઉમેદવારો ઉનાવા ગામના હોવાના કારણે ઉનાવામાં મતદાનની ટકાવારી ખૂબ જ ઊંચી જોવા મળી છે. મતદાનની ટકાવારી જોતાં લાગી રહ્યું છે કે, ભાજપ પાસે રહેલી આ બેઠક કોંગ્રેસ છીનવી લેશે તેવી શક્યતા જોવા મળી રહી છે.