ગાંધીનગર: કોરોના મહામારીની શિક્ષણ પર સૌથી મોટી અસર પડી છે. 1 સપ્ટેમ્બર થી 6 સપ્ટેમ્બર દરમિયાન JEEની પરીક્ષા યોજાશે. રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ગુજરાતમાં પરીક્ષા કઈ રીતે યોજવી અને જિલ્લા કક્ષાએ કેવી રીતનું આયોજન છે તે વિશે ખાસ બેઠક યોજી હતી. જેમાં શિક્ષણ વિભાગ, પોલીસ વિભાગ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ હાજર રહ્યાં હતા. આ ઉપરાંત આ પરીક્ષામાં રાજ્યના 13 જિલ્લાઓના 32 કેન્દ્ર ખાતે કુલ 38,167 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
બેઠક યોજ્યા બાદ રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, રાજ્યમાં JEEની પરીક્ષાને લઇને તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ પરીક્ષામાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક ફરજિયાત રાખવામાં આવશે. ઉપરાંત તમામ વિદ્યાર્થીઓ હાથને સેનેટાઈઝર કર્યા બાદ જ તેઓને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવશે. ઇજનેરી અને ફાર્મસીમાં પ્રવેશ માટેની આ પરીક્ષા 1 સપ્ટેમ્બર થી 6 સપ્ટેમ્બર દરમિયાન લેવામાં આવશે. જ્યારે NEETની પરીક્ષા 13 સપ્ટેમ્બરના રોજ યોજાશે.