ગાંધીનગર: અમદાવાદ શહેરના નવરંગપુરા વિસ્તારમાં શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ સર્જાયો હતો. જેમાં આઠ કોરોના પોઝિટિવ દર્દીઓ બળીને ખાખ થઇ ગયા હતાં, ત્યારે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ બે ઉચ્ચ અધિકારીઓની નિંમણૂક કરીને જવાબદારો સામે પગલા ભરવા માટેના એક રિપોર્ટ તૈયાર કરવાની સૂચના આપી હતી, ત્યારે અધિકારીઓ દ્વારા તૈયાર થયેલો રિપોર્ટ આજે સોમવાર સાંજ સુધીમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીને રજૂ કરવામાં આવશે.
શ્રેય અગ્નિકાંડ: આજે તપાસ કમિટી CM રૂપાણીને રિપોર્ટ સોંપશે, જવાબદારો સામે કડક પગલાં લેવાશે - જવાબદારો સામે પગલાં લેવાશે
અમદાવાદના નવરંગપુરામાં શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ સર્જાયો હતો. આ મામલે જવાબદાર લોકો સામે પગલા ભરવા માટેની રાજયના મુખ્ય પ્રધાને સૂચના આપી છે. જેનો તપાસ રિપોર્ટ આજે સાંજ સુધીમાં મુખ્ય પ્રાધાન સામે રજૂ કરવામાં આવશે.
રિપોર્ટ બાબતે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, અધિકારીઓ દ્વારા રિપોર્ટ તૈયાર કરી દેવામાં આવ્યો છે. જે હજુ સુધી મને મળ્યા નથી, પરંતુ આજ સાંજ સુધીમાં આ રિપોર્ટ મને મળશે. રિપોર્ટ મળ્યા બાદ તેનો અભ્યાસ કરીને જવાબદારો સામે કડક પગલાં લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, હજી સુધી શ્રેય હોસ્પિટલના મામલે પોલીસ કેસ નોંધાયો નથી, ત્યારે પોલીસ કેસ કેમ નોંધાયો નથી તે બાબતે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જવાબ આપ્યો હતો કે, તમામ જવાબદારો સામે રાજ્ય સરકાર કડક પગલા ભરશે.
જ્યારે શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડમાં પોલીસ વિભાગ દ્વારા ક્લીનચિટ આપી દીધી હોવાનું પણ સામે આવી રહ્યું છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા કેવા પગલા ભરવામાં આવશે તે આવનારા દિવસોમાં જ ખબર પડશે.