રાંદેસણ ખાતે રહેતાં અને મૂળ ગાંધીનગર તાલુકાના છાલા ગામનાં વતની રાજેશ મણીભાઈ પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ સોફ્ટવેર કન્સ્લટન્ટ તથા ખેતી કામ કરે છે. તેઓની છાલા ગામે જમીન આવેલી છે, ત્યાં તેઓનું ઘર પણ છે. જ્યાં તેઓ કોઈક કોઈકવાર જાય છે. છાલા ખાતેના ઘરે તેઓ છેલ્લે 5 ઓગસ્ટના રોજ ગયા હતા.
છાલા ગામના બંધ મકાનમાં 20 લાખ રૂપિયાની ચોરી, 5 મહિને મકાન માલિકે ફરિયાદ નોંધાવી - thief incident news
ગાંધીનગરઃ તાલુકાના છાલા ગામની સીમમાં આવેલા ઘરમાંથી 19.77 લાખની મત્તાની ચોરીની ફરિયાદ નોંધાઈ છે. ચોરીની આ ઘટના ઓગસ્ટથી ડિસેમ્બર વચ્ચે બન્યાની આશંકા છે. જે મુદ્દે ચિલોડા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આશરે 5 માસ પહેલા બનેલી ઘટનાની ફરિયાદ નોંધાતા તપાસ હાથ ધરાઈ છે.
પાંચ મહિના બાદ 12 ડિસેમ્બરના રોજ તેઓ ફરી છાલા ખાતે ઘરે ગયા ત્યારે ઘરની ઓસરીમાં લગાવેલ લોખંડની જાળીમાંથી ચાર સળીયા તૂટેલા હતા. તો ઉપરના માળે દરવાજાના નકૂચો તૂટેલો હતો અને દરવાજો ખુલ્લો હતો. તેમણે રૂમમાં પ્રવેશ કર્યો તો સામાન વેરવિખેર હતો અને તિજોરીનું લોક તૂટેલ હતું. તેઓએ ઘરમાં તપાસ કરતાં અંદરથી 19,77,500ની કિંમતની મત્તા ગૂમ હતી. જેને પગલે તેઓએ ઘરમાંથી 10.14 લાખની કિંમતના સોનાના બે સેટ સહિત ત્રણ સેટ, 6 દોરા, સોનાની 4 વીટી, મંગળસૂત્ર, 70 હજારનું નેટવર્ક રાઉટર, 20 હજારની બાર બોર ડબલ બેરલ બંદુક ગૂમ હોવાની ફરિયાદ નોંધાવી હતી.
જેને પગલે ચિલોડા પોલીસે ડૉગસ્ક્વોડ અને એફએસએલની મદદથી તપાસ શરૂ કરી છે. ફરિયાદીની ચોરાયેલી બંદૂકના લાયસન્સની અસલ બૂક ખોવાઈ ગઈ હતી જેને પગલે તેઓએ તેની નકલ મેળવી હતી. જે બાદ ચોરી અંગે 25 ડિસેમ્બર રાત્રે તેઓની ફરિયાદ નોંધવામાં આવી હતી. ફરિયાદીએ બંદૂક ચોરીની ફરિયાદ નોંધાવી છે. જો કે, તપાસ દરમિયાન બંદૂક ઘરમાંથી મળી આવી હતી. જેથી ચોરીની જાણ થવા સમયે તેઓને જોવામાં ભૂલ થઈ ગઈ હતી. ચિલોડા પોલીસે હાલ તો સમગ્ર મુદ્દે તસ્કરોને શોધી કાઢવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.