ગાંધીનગરઃ તપોવન સંસ્કારપીઠ દેરાસરમાં 2.40 લાખની મત્તાની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. દેરાસરના કુલ 13 દરવાજા અને ગર્ભગૃહના 3 દરવાજામાંથી એકપણ દરવાજો તોડ્યા વગર ઘૂસેલા તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. જેમાં ચાંદીના 3 છત્તર તેમજ બાજૂબંધની ચોરી કરી હતી. આ અંગે અડાલજ પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, તપોવન સંસ્કાર પીઠના જનરલ મેનેજર જયેશ મનસુખલાલ મહેતાએ આ અંગે ફરિયાદ નોંધાવી હતી. જેમા સવારે 6 કલાકના સુમારે દેરાસરના મેનેજર પ્રકાશ શાહે ફોન કરીને ચોરી અંગે જાણ કરી હતી. જેને પગલે તેઓ દેરાસર પહોંચ્યા ત્યારે દેરાસરની અંદરની દાન પેડી તૂટેલી હતી, જે ગર્ભગૃહના દરવાજા બંધ હતા. તેમાં શંખેશ્વર પાશ્વનાથ ભગવાનના ગર્ભગૃહના 3 સળિયા તૂટેલા હતા. જેમાં તપાસ કરતાં મુલ નાયક ભગવાન ઉપરનું 1.7 કિલોનું ચાંદીનું છત્તર અને 170 ગ્રામના બાજુબંધ ન હતા. બન્નેની કુલ કિંમત 1.30 લાખ હતી.