ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટનગરમાં IASનાં મકાન પણ અસુરક્ષિત, નિવૃત્ત IASના ઘરમાંથી લાખો રૂપિયાના મતાની ચોરી

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં એકમાત્ર રાજભવન જ હવે સુરક્ષિત હોય તેવું જોવા મળી રહ્યું છે. અનેક પોલીસ કર્મચારીઓની કિલ્લેબંધી વચ્ચે માત્ર રાજ્યના મુખ્યપ્રધાન અને મિનિસ્ટર નિરાતે આરામ કરી શકે છે. શહેરમાં વીઆઇપી ગણાતા સેક્ટર 8માં નિવૃત્ત IASના બંધ મકાનમાં તસ્કરોએ ખાતર પાડયું હતું. જેમાં 40 લાખની માલમત્તાની ચોરી સેક્ટર 7 પોલીસ સ્ટેશનના ચોપડે નોંધાઇ છે.

નિવૃત્ત IASનાં ઘરમાં ચોરી
નિવૃત્ત IASનાં ઘરમાં ચોરી

By

Published : Sep 6, 2020, 1:53 PM IST

ગાંધીનગરઃ પાટનગરમાં સેક્ટર-8ના વિસ્તારમાં 5 લાખ રોકડા સહિત 39.50 લાખની મત્તાની ચોરી થઈ છે. નિવૃત IAS ડી. કે. રાવનો સે-8 ખાતે પ્લોટ નં-841 નંબરનો બંગલો આવેલો છે. 12 માર્ચના રોજ ઘરને તાળુ મારીને વતન હૈદરાબાદ ગયા હતા. જે બાદ લોકડાઉન હોવાને પગલે તેઓ ત્યાં જ રોકાઈ ગયા હતા. છ મહિનાથી બંધ ઘરમાં સાફ કરાવવા માટે તેમણે પોતાના ઓળખીતા સરગારણ ચર્ચના પાદરી સેમ જોશ્વાને કુરીયર મારફતે ચાવી મોકલી આપી હતી.

નિવૃત્ત IASનાં ઘરમાં ચોરી

જેના પગલે તેઓ ત્રણેક મજૂરો સાથે સેક્ટર-8 ખાતેના બંગલે પહોંચ્યા હતા. જેમાં તેઓ દરવાજો ખોલીને તેઓ પ્રથમ માળે ગયા ત્યારે માસ્ટર બેડરૂમનો દરવાજો ખુલ્લો હતો અને કબાટનો સામાન અસ્તવ્યસ્ત પડ્યો હતો. ત્યારબાદ ફોન કરતાં ડી. કે. રાવના બીજા ઓળખીતા મીલીંદ વિરેન્દ્રભાઈ પુરોહિતને જાણ કરતાં તેઓ ત્યાં પહોંચી ગયા હતા. મીલીંદ પુરોહિતે જઈને ચેક કરતાં બેડરૂમની બારીની લોખંડની ગ્રીલ તૂટેલી હતી. જેને પગલે તેઓએ ડી. કે. રાવેને ફોન કરીને તેમણે આપેલી વિગત પ્રમાણે ઘરમાં તપાસ કરાઈ હતી. જેમાં તેમની પત્ની અને દીકરીનીની 16 લાખના 7 નંગ સોનાના ડાયમંડ જડીત હાર, 12 લાખની 3 જોડ ડાયમંડ જડીત બંગડી, 5 લાખની 7 નંગ સોનાની ડાયમંડ જડીત વીંટી, દોઢ લાખની સોનાની રૂબી ડાયમંડ જડીત વીંટી મળી 34.50 લાખના દાગીના અને 5 લાખ રોકડા મળી કુલ 39.50 લાખની મત્તા ગૂમ હતી.

ઘટનાને પગલે સેક્ટર-7 પોલીસે ફીંગરપ્રિન્ટ એક્સપર્ટની મદદથી ઘટના સ્થળની તપાસ કરી હતી. તો બીજી તરફ બંગલોમાં લાગેલા સીસીટીવી ચેક કરવાનું કહેતાં છેલ્લા ઘણા સમયથી સીસીટીવી બંધ હોવાનું સામે આવ્યું હતું. જેને પગલે પોલીસે માર્ચથી લઈને સપ્ટેમ્બર વચ્ચે કોઈ પણ સમયે ચોરી થઈ હોવાનું માની રહી છે. સમગ્ર મુદ્દે ડી. કે. રાવના ઓળખીતા મીલીંદ પુરોહીતની ફરિયાદના આધારે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

ABOUT THE AUTHOR

...view details