ગાંધીનગર : કુડાસણ ખાતે રહેતી અને સ્માર્ટ સિટીમાં ફરજ બજાવતી 29 વર્ષીય યુવતી કોરોનાગ્રસ્ત થઈ હતી. પોતાના સાસુ-સસરાને મૂકવા માટે સુરત ગયેલી યુવતી ચાર દિવસ સુરતમાં રોકાઈ હતી. સુરતથી પરત ફર્યા બાદ તેણે પોતાનો જન્મદિન મનપા સંકુલ ખાતે જ ઉજવ્યો હતો. આમ, તો સરકારી કચેરીઓમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાની મોટી-મોટી વાતો થાય છે, પરંતુ આ પ્રસંગે સ્માર્ટ સિટી ઉપરાંત મનપાના અધિકારીઓ-કર્મચારીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 15-17 વ્યક્તિઓ આ પ્રસંગે હાજર રહ્યાં હતાં.
આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું કે સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં ફરજ બજાવતા અને અમદાવાદમાં રહેતો કર્મચારી પોઝીટીવ આવ્યો છે. જેને લઇને કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. અગાઉ સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં ફરજ બજાવતા મહિલા અધિકારી પોઝીટીવ આવ્યા છે. મહિલા અધિકારીના સંપર્કમાં અનેક સહકર્મીઓ આવ્યા છે, પરંતુ આ લોકો પોતાનો રિપોર્ટ કરાવતા નથી બીજી તરફ બર્થડે ઉજવણીમાં પણ કેટલાક અધિકારીઓ હાજર હતા તે પણ રિપોર્ટ કરાવતા નથી.
સ્માર્ટ સિટીનાં મહિલા અધિકારીનો બર્થ ડે મોકલી શકે છે હોસ્પિટલમાં, જો તમે હાજર રહ્યાં છો તો !!
'ન્યાય નીતિ સહુ ગરીબને મોટાને બધુ માફ' આ પંક્તિ ગાંધીનગર મહાપાલિકા ફરજ બજાવતા અને જન્મદિવસની ઉજવણી કરી ચૂકેલા મહિલા અધિકારીને લાગુ પડે છે. સામાન્ય લોકોને નાનુ ફંકશન કરવું હોય તો પણ પોલીસની મંજૂરી લેવી પડે છે, પરંતુ અહીંયા અધિકારી દ્વારા જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો. ત્યારબાદ તેઓ કોરોના સંક્રમિત થયા છે. જેને લઇને હવે આ બર્થ ડે વિશ કરવા ગયેલા કર્મચારીઓ અને અધિકારીઓ પાંદડાની જેમ ફફડાટ અનુભવી રહ્યા છે. મનપા હસ્તકની સ્માર્ટ સિટી કંપનીની કચેરીમાં એક મહિલા કર્મચારીના જન્મદિન નિમિત્તે કેક કટિંગનું આયોજન થયું હતું. જેમાં અનેક કર્મચારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહિલા કર્મચારીને જન્મદિવસની વધામણી આપ્યાના ત્રીજા દિવસે તેનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.
મસ્ત મજાની કેક કાપ્યા બાદ યુવતીની તબિયત બગડી હતી. તાવ-શરદી જેવી તકલીફ જણાતા તેના સેમ્પલ લેવાયા હતાય જે પોઝીટીવ આવતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. યુવતી સાથે સંપર્કમાં આવેલા કે મનપાના ઉચ્ચ અધિકારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે, ત્યારે તેની બર્થડે ઉજવણીનો પ્રસંગ ચર્ચાસ્પદ બન્યો છે. કેક કટિંગ પ્રસંગે હાજર રહેલા કર્મચારીઓ અને અધિકારીઓ ખાનગીમાં એકબીજાના ખબર-અંતર પૂછીને દિલાસો આપવા પ્રયાસ કરી રહ્યા છે. સ્માર્ટ સિટીમાં ધીમા પગલે પ્રવેશેલા કોરોના વાઇરસે સ્માર્ટ સિટીના બીજા કર્મચારીને પણ સકંજામાં લીધો હોવાની ચર્ચા છે. અમદાવાદ ખાતે રહેતા યુવકને કોરોનાના લક્ષણ જણાતા તેના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં બુધવારે પોઝીટીવ રિપોર્ટ આવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. શુકન સિલ્વરમા રહેતી મહિલાને ઘરમા જ સારવાર આપવામા આવી રહી છે.
બીજી તરફ ગાંધીનગર શહેરના જે સેક્ટરમાં કોરોનાં પોઝીટીવ આવે છે, તે વિસ્તારને મહાનગરપાલિકા દ્વારા સેનેટાઇઝ કરવામાં આવે છે. મહાપાલિકામાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં ફરજ બજાવતા મહિલા અધિકારી કોરોના પોઝીટીવ આવ્યા બાદ પણ મહાપાલિકા સંકુલને સેનેટૉઇઝ કરવામાં આવ્યું નથી. સૂત્રો જણાવે છે અહીંયા માત્ર કર્મચારીઓ ફરજ બજાવે છે. પરિણામે સત્તાધીશોને ત્યાંથી મત મળવાના નથી. જ્યારે સેક્ટરોમાં સેનેટાઇઝ એટલા માટે કરવામાં આવે છે કે ત્યાંથી મત મેળવવાના છે, પરંતુ સંકુલને સેનેટાઇઝ નહીં કરવાના કારણે કર્મચારીઓ પાંદડાની જેમ ફફડી રહ્યા છે.