ગાંધીનગરમાં ખેલ મહાકુંભમાં વિજેતા ખેલાડીઓનો ઇનામ વિતરણ સમારોહ યોજાયો - મેયર રીટા પટેલ
ગાંધીનગર: ગુજરાતના યુવાઓની રમતગમત કૌશલ્ય વિકસાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ખેલ મહાકુંભની શરૂઆત કરી હતી. જેમાં વિવિધ રમતમાં પ્રતિભા ધરાવતા છેવાડાના ગામડામાં રહેલા રમતવીરોને યોગ્ય સ્ટેજ પૂરું પાડ્યું હતું. ખેલ મહાકુંભ દર વર્ષે ગુજરાતમાં યોજાઈ રહ્યો છે, જે અંતર્ગત 2019માં ખેલ મહાકુંભ યોજાયો હતો. જેમાં ગાંધીનગર જિલ્લામાંથી ઘણા પ્રતિભાશાળી ખેલાડીઓએ જિલ્લાનું નામ રોશન કર્યું હતું. ત્યારે આજે જિલ્લાના કોબામાં પ્રેક્ષા ભારતી ખાતે જિલ્લા ઇનામ વિતરણ સમારોહ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં બાળકોએ ગુજરાતી સંસ્કૃતિને અનુરૂપ ગરબા, રાસ સહિત અનેક કાર્યક્રમ કરી લોકોને મંત્ર મુગ્ધ કરી દીધા હતાં. આ કાર્યક્રમ બાદ મીડિયા સાથે વાતચીત કરતા ગાંધીનગર મનપાના મેયર રીટા પટેલે જણાવ્યું કે, આજે ગાંધીનગર મહાનગર અને જિલ્લાની દરેક સ્કૂલના બાળકોએ જે ખેલ મહાકુંભમાં ભાગ લીધો અને વિજેતા બન્યા હતા તેમને જિલ્લા તરફથી ઇનામ વિતરણ કરવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન હતું કે, ‘રમશે ગુજરાત જીતશે ગુજરાત’ તેનું આજે સુંદર પરિણામ મળી રહ્યું છે. આજના આ કાર્યક્રમમાં પાંચ જેટલી રમતોમાં ફૂટબોલ, વોલીબોલ, દોડ સહિત રમતોમાં દરેક ઉંમરના લોકો રમ્યા હતા અને જીત્યા પણ છે. જેમાં આજે છ જેટલી ટીમોને ઇનામ વિતરણ કરાયુ છે.