ગાંધીનગરઃ આ ઘટનામાં મળતી વિગતો અનુસાર, એન્જસી મારફતે કામ માટે આવેલા ચારેય લોકો ઉપર ઉભા રહીને સર્વેની કામગીરી કરવાની તૈયારીઓ કરી રહ્યાં હતા. આ સમયે તેઓ ભેખડ સાથે જ અંદાજે 50 ફૂટ જેટલે નીચે પડ્યા હતા. જેમાં ત્રણ લોકોનાં ઘટના સ્થળે મોત થયા હતા. જ્યારે એકને સિવિલ લઈ ગયા બાદ મોત થયું છે.
પ્રમુખ ઓરબીટ મોલ સાઈટની ભેખડ ધસી પડી, સાળા-બનેવી સહિત 4નાં ભેખડ પડતાં જ તાત્કાલિક અસરથી JCB દ્વારા માટી હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. અંદાજે 10થી 15 મિનિટમાં બધાને બહાર કાઢી લીધા હતા. ભીની માટીમાં પણ ખોદકામ ચાલું રખાતા આ ઘટના બની હોવાનું કહેવાય રહ્યું છે. આટલી ગંભીર ઘટનામાં પણ સ્થળ પર હાજર જવાબદારોએ ફાયરબ્રિગેડને કોલ કર્યો ન હતો. તેઓએ જાતે જ જેસીબીથી માટી ખસેડીને દબાયેલા ચારેય લોકોને બહાર કાઢયા હતા.
બીજીતરફ સિવિલમાં કલાકો સુધી મૃતકોના નામ અંગે કોઈએ જલ્દી જવાબ ન આપતા પોલીસ કાર્યવાહીમાં પણ મોડું થયું છે. બીજીતરફ સમગ્ર ગાંધીનગરમાં આ બનાવની જાણ થતા અરેરાટી વ્યાપી ગઇ હતી. આ બનાવની ફરીયાદ ઇન્ફોસિટી પોલીસ મથકમાં નોંધાતા આગળની કાર્યવાહી હાથ ધરી છે.
- પાર્થ હરેશભાઇ પટેલ, ઉંમર-25, દહેગામ (એન્જિનિયર)
- રાજેશ દોલતસિંહ ચૌહાણ, ઉંમર-25, કમાલબંધવાસણા-દહેગામ
- વસંતજી ભૂપતજી, ઉંમર-20, સરસવણી-મહેમદાવાદ
- પ્રવીણ પ્રભાતભાઈ સોઢા, ઉંમર-27, સરસવણી-મહેમદાવાદ
ઘટનામાં મૃતકોમાં બે લોકો દહેગામના જ્યારે બે લોકો મહેમદાવાદના સરસવણી ગામના રહેવાસી છે. જેમાં મૃતક વસંતજી અન્ય મૃતક રાજેશ ચૌહાણનો બનેવી થાય છે. એટલે કહીં શકાય કે યુવતીએ પતિ અને ભાઈ બંને સાથે ગુમાવ્યા છે.
ન્યુ ગાંધીનગરમાં રિલાયન્સ ચોકડી પાસે પ્રમુખ ઓરબીટ મોલ બાંધકામ સાઇટ પર ધસી પડતા એક એન્જિનિયર અને ત્રણ સર્વેયરના મોતના બનાવને લઈને ગાંધીનગર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરીટી(ગુડા) દ્વારા બાંધકામ સાઈટને આ બનાવ બાદ સીલ કરવામાં આવી હતી.
પ્રમુખ ગ્રુપ દ્વારા બનાવવામાં આવી રહેલા મોલમાં 40 જેટલા ભાગીદારો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જેમાં એક પૂર્વ ધારાસભ્યનો પણ સમાવેશ થાય છે. આ બનાવ બાદ એક પણ બિલ્ડર ઘટના સમયે જોવા મળ્યો ન હતો અને તમામ લોકો સાઈટ ઉપરથી ફરાર થઇ ગયા હોવાનું સામે આવી રહ્યું હતું.
નવી બાંધકામ સાઇટ ઉપર માટીની ભેખડ ધસી પડવાના કારણે મોત થઈ રહ્યા છે. ત્યારે ગાંધીનગર શહેરમાં મુખ્ય ગણાય તેવી આ પાંચમી ઘટના હતી. અગાઉ સેક્ટર 11 માં કોમર્શીયલ બિલ્ડીંગો બની રહ્યું હતું, ત્યારે ભેખડ ધસી પડી હતી. જેમાં એક કિશોરનું મોત થયું હતું. બીજા બનાવમાં ગુડા દ્વારા બનાવવામાં આવી રહેલી આવાસનો ખોદકામ ચાલી રહ્યું હતું, તે દરમિયાન બાજુમાં આવેલી સોસાયટીની દીવાલ ધસી પડી હતી જેમાં કોઇ જાનહાનિ થઇ ન હતી. ત્યારબાદ ન્યુ ગાંધીનગર વિસ્તારમાં જ પૂર્વ કોર્પોરેટરની સાઇટ પર દીવાલ ધસી પડી હતી. ત્યાર બાદ શહેરના સેક્ટર 6માં પણ એક ભેખડ ધસી પડવાના કારણે નાની બાળકીનું મોત થયું હતું.