જરૂર પડશે તો ટ્રમ્પને પણ રજૂઆત કરવા પહોંચીશું : કોંગી ધારાસભ્ય - gdr news
સત્યાગ્રહ છાવણીમાં 65 દિવસથી લોકરક્ષક દળની પરીક્ષાને લઈે મહિલાઓ આંદોલન કરી રહી છે. ગઈકાલે મંગળવારે રાજ્યના ગૃહ પ્રધાન દ્વારા પરિપત્રમાં સુધારો કરવામાં આવશે તેવી જાહેરાત કરાયા બાદ પણ આંદોલન ચાલુ રહ્યું છે, ત્યારે આજે કોંગ્રેસના ચોટીલા, દસાડા અને સિદ્ધપુરના ત્રણ ધારાસભ્ય દ્વારા આંદોલન કરી રહેલી મહિલાઓને સમર્થન આપવામાં આવ્યું છે. જેને લઇને 72 કલાક સુધી આ ધારાસભ્યો આંદોલન કરશે. આ તકે ચોટીલાના ધારાસભ્યએ કહ્યું કે, સરકારમાં અંદર અંદરની કુટ નીતિને કારણે મહિલાઓને ભોગ બનાવવામાં આવી રહી છે.

ગાંધીનગર : લોકરક્ષક દળની પરીક્ષામાં અન્યાય થયો હોવાની વાતને લઈને એસટી, એસસી અને ઓબીસી સમાજના આગેવાનો અને મુખ્યપ્રધાન સાથે મંગળવારે મુલાકાત યોજાઈ હતી. જેમાં આગેવાનોની માંગણીને ધ્યાને રાખતા સરકારી પરિપત્રમાં સુધારો થયો હોવાની જાહેરાત કરી હતી. ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ 1-8-18ના પરિપત્રમાં સુધારો કરવામાં આવશે, તેવી જાહેરાત કરી હતી, ત્યારબાદ પણ મહિલાઓ દ્વારા આંદોલન ચાલુ રાખવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે જ્યાં સુધી અમારા હાથમાં રદ થયેલો પરિપત્ર હાથમાં નહિ આવે ત્યાં સુધી અમારુ આંદોલન ચાલુ રહેશે. જેને લઈને કોંગ્રેસ દ્વારા અગાઉથી જ સમર્થન આપવામાં આવ્યું છે.