- રાજયની 45 બેઠક પર કોળી સમાજ (Koli Samaj)ના નિર્ણાયક
- સમાજને યોગ્ય પ્રતિનિઘિત્વ અને મહત્વ મળતુ નથી
- આગામી દિવસોમાં કોળી સમાજનું મહાસંમેલન બોલાવવાનો નિર્ણય કરાયો
ગીર સોમનાથ:રાજયમાં 45 વિઘાનસભા બેઠક પર કોળી સમાજ (Koli Samaj) નિર્ણાયક હોવા છતાં યોગ્ય પ્રતિનિઘિત્વ મળતુ ન હોવાથી કોળી સમાજનો મુખ્યપ્રધાન બનાવવાનો સુર આજે સોમનાથ સાંનિઘ્યે પ્રાંચી મુકામે મળેલી અખીલ ભારતીય કોળી સમાજ (AKHIL BHARATIYA KOLI SAMAJ) ના રાજયના આગેવાનોની મળેલી ચિંતન શિબિર બેઠકમાં ઉઠ્યો હતો. આગામી દિવસોમાં રાજયના પાટનગર ગાંધીનગર ખાતે કોળી સમાજનું મહાસંમેલન બોલાવવાનો નિર્ણય કરવામાં આવેલો હતો.
કોળી સમાજમાં પણ પોતાના સમાજનો વ્યકિત મુખ્યપ્રધાન હોવાના સુર ઉઠ્યા
ગુજરાતમાં પાટીદાર સમાજ (PATIDAR SAMAJ) સૌથી વધુ મતદારો ધરાવતા કોળી સમાજ (Koli Samaj) માં પણ પોતાના સમાજનો વ્યકિત મુખ્યપ્રધાન હોવાના સુર ઉઠ્યા છે. જેના પગલે તાજેતરમાં ભાવનગર ખાતે કોળી સમાજની એક બેઠક મળ્યા બાદ ગઈકાલે રવિવારે સોમનાથ સાંનિઘ્યે પ્રાંચી તીર્થ મુકામે અખિલ ભારતીય કોળી સમાજના મુખ્ય આગેવાનોની અગત્યની ચિંતન શિબિર બેઠક મળી હતી. જેમાં રાજયના મોટાભાગના જિલ્લામાંથી કોળી સમાજના મુખ્ય આગેવાનો, ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક સંસ્થાના રાષ્ટ્રીય પ્રધાન જેઠાભાઈ જોરાના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં રાજકીય અને સામાજીક રીતે કોળી સમાજને મજબુત પ્રતિનિઘિ મળે તેના પર મંથન થયુ હતુ.
રાજયમાં કોળી સમાજના સૌથી વધુ મતદાર
બેઠક પુર્ણ થયા બાદ જેઠાભાઇ જોરએ જણાવેલ કે, બેઠકમાં કોળી સમાજનો વ્યકિત મુખ્યપ્રધાન હોવા જોઈએ તેવો સુર ઉઠ્યો હતો. રાજ્યની 45 વિધાનસભા બેઠક પર કોળી સમાજ નિર્ણાયક હોવા છતાં સમાજને અન્યાય થઈ રહ્યો છે. રાજયમાં કોળી સમાજના સૌથી વધુ મતદાર હોવા છતાં સમાજના ચૂંટાયેલા આગેવાનોને નાનું એવું ખાતું અપાતું હોવાથી સમાજમાં નારાજગી છે. સમાજના લોકોની લાગણી છે કે, સમાજનું પ્રતિનિઘિત્વ કરતા આગેવાનોને રાજકીય અને સામાજીક રીતે મહત્વ મળવું જોઇએ.