ગાંધીનગરઃ કોરોના વાઇરસને નાથવામાં સરકાર નિષ્ફળ નીવડી છે, પરંતુ દર્દીઓની સારવાર કરવામાં પણ સાવ નિરર્થક રહી છે. દર્દીઓની જાણે હોસ્પિટલ તંત્રને કોઈ પરવા જ ન હોય તે રીતે મૃતદેહો અનેક જગ્યાએથી મળવાના કિસ્સા સામે આવી રહ્યા છે. ત્યારે NCPના ગુજરાત પ્રદેશ પ્રમુખ શંકરસિંહ વાઘેલાએ સરકાર સામે બંડ પોકાર્યો હતો. શંકરસિંહે જણાવ્યું કે, રેપિડ એન્ટીબોડી કીટ સરકાર ન ખરીદી શકતી હોય તો હું આપવા તૈયાર છું, પરંતુ રાજ્યના નાગરિકો સાથે રમત ન થવી જોઈએ.
શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે, હજૂ પણ પ્રાઇવેટ લેબને મંજૂરી આપવી જોઈએ. રાજ્ય સરકાર પાસે નાણા ન હોય તો, હું આપવા તૈયાર છું. રાજ્યમાં અનેક સેવાભાવિ સંસ્થાને હું ભલામણ કરીશ. કોરોના વાઇરસના આંકડામા ગોલમાલ કરવામાં આવી રહી છે. તેવા સમયે ગુજરાત સરકાર મોતના આંકડા છુપાવી રહી છે. અનેક લોકોના મોત થયા છે, પરંતુ જાહેર કરવામાં આવતા નથી. સરકારે આ બાબતે રાજકારણ ન કરવું જોઈએ. સરકાર રાજ્યની પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરી રહી છે.
NCP ગુજરાત પ્રદેશ પ્રમુખ શંકરસિંહ વાઘેલાએ સરકાર સામે બંડ પોકાર્યો NCPના ગુજરાત પ્રદેશ પ્રમુખે જણાવ્યું હતું કે, દિલ્હીમાં બેઠેલી સરકાર અણઆવડત વાળી છે. સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી, ત્યારે સૌથી મોટી ફરિયાદ મળી હતી કે, કોરોનાના ટેસ્ટિંગ થતા જ નથી. તેવી સ્થિતિમા જો કોઈ દર્દી સિવિલમાં જીવતો જાય તો તેનો મૃતદેહ પરત આવે છે. ગુજરાત સરકારનું તંત્ર રેઢિયાર બની ગયુ છે. આ મહામારીમાં સરકારની કામગીરી લોકોની સારવાર કરવાની હોવી જોઈએ. હજૂ પણ નાગરિકોના ટેસ્ટ કરવામાં આવતા નથી, ત્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં અમે ઇન્સ્ટન્ટ કોરોનાના ટેસ્ટ માટે કીટ આપીશું. પોલીસ કર્મચારીઓને પણ અમે કીટ આપીશું.
રેપીડ એન્ટી બોડી ટેસ્ટ જે 15 મિનિટમાં ટેસ્ટનું પરિણામ આપે છે. હાઇકોર્ટે પણ સૂચન કર્યું છે કે, પ્રાઇવેટ ટેસ્ટને પરવાનગી આપવી જોઈએ. હાલના તબક્કે લોકોના જીવ તાળવે ચોટ્યા છે. ગુજરાત કોરોનાનું હબ બન્યું છે. અનેક દર્દીઓ કોરોના ટેસ્ટ વગર મોતને ભેટ્યાના કિસ્સા સામે આવ્યા છે. સરકારમાં અંધેર નગરી અને ગંડુ રાજાની પરિસ્થિતિ જોવા મળી રહી છે. રાજ્યમાં આરોગ્ય અને શિક્ષણ સેવા ખાડે ગઈ છે. કોરોના વાઇરસમાં હું સકારાત્મક રીતે કામ કરૂં છું. સિવિલ સહિત રાજ્યભરમાં કોરોનાના દર્દીના મોત પર આરોગ્ય સચિવ પર હત્યાનો ગુનો દાખલ કરવો જોઈએ.