આ બાબતે રાજયકક્ષાના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ગુજરાત જેવા સરહદી રાજ્યમાં આતંકવાદ સહિત સંગઠિત ગુનાખોરીનું નિયંત્રણ થાય તે માટે તત્કાલીન મુખ્યપ્રધાન અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દ્રઢ રાજકીય ઇચ્છા શક્તિથી સપનું જોયું હતું એ સાકાર થયુ છે. ગુજરાત સરકાર દ્વારા ગુજરાત આતંકવાદી કૃત્ય અને સંગઠિત ગુના નિયંત્રણ કાયદા વિધેયકને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી છે જેના કારણે રાજ્યની સુરક્ષામાં નોંધપાત્ર વધારો થશે અને પોલીસ અધિકારીઓને પુરતું બળ પણ મળશે. સંગઠીત ગુના ખોરી કે જેને કોઇ રાષ્ટ્રિય સિમાઓ લાગુ પડતી નથી. તેને નિવારવા માટે ગુજરાતને આગવો કાયદો મળી રહે તે માટે ગુજરાત સરકારે વિધાનસભામાં કાયદો પસાર કર્યો છે, જેને આજે મંજૂરી મળી છે. આ કાયદાના અમલથી સોપારી આપવી (કોન્ટ્રાક્ટ કિલીંગ), ધાક ધમકીથી પૈસા પડાવવા, પ્રતિબંધિત માલની દાણચોરી કરવી, ગેરકાયદે કેફી દ્રવ્યોનો વેપાર કરવો, ખંડણી માટે અપહરણ કરવા, રક્ષણ માટે નાણાં વસુલવા, નાણાંકીય લાભો મેળવવા માટે લોકોને છેતરવાના આશયથી પોન્ઝિ સ્કીમ (કપટયુક્ત યોજના) અથવા મલ્ટી લેવલ માર્કેટીંગ સ્કીમ ચલાવવા જેવા ગુનાઓ નિયંત્રીત થશે.
આ ઉપરાંત કોઇપણ સ્વરૂપે થતાં સાયબર ગુનાઓ પ્રત્યે નિયંત્રણની સાથે સાથે સરહદની પેલે પાર ત્રાસવાદી સંગઠનો દ્વારા નાર્કો ત્રાસવાદને જે ઉત્તેજન આપવામાં આવે છે તેનું પણ નિયંત્રણ થશે. સંગઠિત ગુનાખોર સિન્ડીકેટ તેમની ગુનાહિત પ્રવૃત્તિઓમાં ટેકનોલોજીનો જે ઉપયોગ કરીને સંદેશાવ્યવહારનો ઉપયોગ કરે છે તે સંદર્ભેની તપાસમાં તથા પુરાવો એકત્રિત કરવામાં પણ કાયદાનું પીઠબળ મળવાથી સફળતા મળશે.