વાવાઝોડામાં 3 દિવસ દરમિયાન રાહત કેમ્પમાં રોકાયેલા લોકોને સરકાર 5 કરોડ રૂપિયા ચૂકવશે - VAYU CYCLONE
ગાંધીનગર: ગુજરાતમાં વાયુ વાવાઝોડાને પગલે નાગરિકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે વાયુ વાવાઝોડુ હવે અરબી સમુદ્ર તરફ આગળ વધી ગયું છે. ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, મુખ્ય સચિવ જે એન સિંઘ, અધિક મુખ્ય સચિવ પંકજકુમાર સહિતના અધિકારીઓએ સ્ટેટ ઈમરજન્સી સેન્ટરની મુલાકાત લીધી હતી જેમાં મુખ્યપ્રધાને કહ્યું કે, સરકાર દ્વારા 3 દિવસથી રાહત કેમ્પમાં રોકાયેલા લોકોમાં મોટી ઉંમરના લોકોને 60 રૂપિયા, જ્યારે નાના બાળકોને 45 રૂપિયા લેખે પાંચ કરોડ રૂપિયા જેટલી રકમ ચૂકવવામાં આવશે.
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું કે, વાયુ વાવાઝોડુ દરિયાઈ કાંઠા વિસ્તારની નજીકથી પસાર થઈને ફંટાઈ ગયું છે. અને ગુજરાત આફતમાંથી મુક્ત થયું છે. ત્રણ દિવસ દરમિયાન જે અધિકારીઓ અને પ્રધાનોને સૌરાષ્ટ્ર વિસ્તારમાં મોકલવામાં આવ્યા હતા. તેમને બપોર બાદ પરત બોલાવી લેવામાં આવશે. આજ બપોર બાદથી જ બસ વ્યવહાર, રેલવે વ્યવહાર અને દરિયા પટ્ટીમાં રોરોફેરી સહિતની સેવાઓ શરૂ કરી દેવામાં આવશે.ઉપરાંત આવતીકાલથી તમામ સ્કૂલો અને કોલેજો રાબેતા મુજબ ચાલુ કરી દેવામાં આવશે. જ્યારે સરકાર દ્વારા વાવાઝોડાની લઈને ત્રણ લાખ જેટલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. જેમાં મોટા લોકોને રૂપિયા 60, જ્યારે નાના લોકોને રૂપિયા 45 ચુકવવામાં આવશે, તેની કામગીરી હવે શરૂ કરવામાં આવશે.