ગાંધીનગર અમદાવાદ શહેરમાં નવરંગપુરા વિસ્તારમાં આવેલી કોવિડ-19 ડેઝિગ્નેટેડ ચાર માળની શ્રેય હોસ્પિટલના ટોપ ફ્લોર પર ICUમાં આગની ઘટના બની હતી. જેમાં 5 પુરુષ અને 3 મહિલા સહિત 8 દર્દીના મોત થયા છે. અમદાવાદની બનેલી ઘટના બાદ ગાંધીનગર તંત્ર પણ દોડતું થઈ ગયું હતું. ફાયર વિભાગ દ્વારા શહેરની આશ્કા હોસ્પિટલ, એસએમવીએસ સહિતની ગાંધીનગરની હોસ્પિટલ્સમાં તપાસ હાથ ધરી હતી.
શહેરની અનેક હોસ્પિટલમાં તંત્રએ તપાસ હાથ ધરી મેયર રીટાબેન પટેલે પણ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને તાત્કાલીક ધોરણે હોસ્પિટલ્સ, ક્લીનિક્સમાં ફાયર સેફ્ટી અંગે તપાસ કરાવવા અને કોઈ ખામી જણાય તો યોગ્ય કાર્યવાહી કરવા આદેશ કર્યો હતો. જોકે સૌથી મહત્વની વાતએ સામે આવી હતી કે, દરરોજ હજારો લોકોની અવરજવર વાળા ગાંધીનગર સિવિલ પાસે જ ફાયર NOC નથી. આ સમગ્ર ઘટનાને પગલે ડેપ્યુટી મેયર નાઝાભાઈ ઘાંઘર પણ ગાંધીનગર સિવિલની મુલાકાતે પહોંચ્યા હતા અને જરૂરી સુચનો કર્યા હતાં.
ગાંધીનગર સિવિલ અંગે પૂછતાં ગાંધીનગરના ફાયર ઓફિસર મહેશ મોડે કહ્યું હતું કે, ‘સિવિલ હોસ્પિટલમાં ફાયર સિસ્ટમમાં થોડા કોમ્પિલેકેશન છે જે પુરા થતાં જ એનઓસી આપી દેવાશે. સિવિલ કેમ્પસમાં બોયસ હોસ્ટેલ, ગર્લ્સ હોસ્ટેલ, ઓડીટોરિયમ, 600 બેડની નવી હોસ્પિટલનું ઓડીટ થાય તે જરૂરી છે. સિવિલમાં ફાયરના સાધનો તો છે, પરંતુ ફાયર ડિટેક્ટર અને એલાર્મની ખામીના કારણે એનઓસપી અપાયું નથી. જોકે સિવિલની ઈમરજન્સી એક્ઝિટની વ્યવસ્થા સારી છે. જરૂરી ફાયર સ્ટાફ અને ફાયર એક્ષટીગ્યુશર પણ છે.’ ગાંધીનગર શહેરમાં રહેણાંક મકાનોમાં અનેક નાના-મોટા હોસ્પિટલ અને ક્લિનિક બેરોકટોક ધમધમે છે.શહેરમાં સેક્ટર-7, 2, 3, સેક્ટર-22, સહિતના અનેક રહેણાંક વિસ્તારોમાં તંત્રની નજર સામે જ નાની-મોટી હોસ્પિટલો ધમધમે છે. રહેણાંકમાં હોવાથી તેઓને ફાયર NOC મળવાનો કોઈ સવાલ જ ઉભો થતો નથી. શહેરમાં ચેકિંગમાં આશ્કા, એપોલો, એસએમવીએસ પાસે ફાયર NOC હોવાનું જ્યારે ગ-6 પાસે રહેણાંકમાં આવેલી પગરવ હોસ્પિટલ તથા પેથાપુર-મહુડી રોડ પર પીપળજ ખાતે આવેલી ગોયેન્કા હોસ્પિટલ પાસે NOC ન હોવાનું સામે આવ્યું છે.