ગાંધીનગર શહેરના સેક્ટર-25માં આવેલા પાઠ્યપુસ્તક મંડળના ગોડાઉનમાંથી એક મહિના પહેલા ધોરણ-11, 12 સાયન્સના 40,000 જેટલા પુસ્તકોની ચોરીનો બનાવ સામે આવ્યો છે, ત્યારે આ બાબતે ગોડાઉનમાં મેનેજર દ્વારા સેક્ટર-21 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવા માટે અરજી આપવામાં આવી હતી, પરંતુ પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી નહોતી આ સમાચારને ETV ભારત દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતા શિક્ષણ વિભાગ અને સરકારમાં ખળભળાટ મચી ગયો હતો. આખરે સેક્ટર-21 પોલીસ દ્વારા આ બાબતે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
આ અંગે ગાંધીનગર નાયબ પોલીસ અધિક્ષક એમ. કે. રાણાએ કહ્યું કે, ગોડાઉનના મેનેજર દ્વારા અરજી આપવામાં આવી હતી. પાઠ્યપુસ્તક મંડળના ગોડાઉનમાં 42 લાખના પુસ્તકોની ચોરી થઈ છે, ત્યારે પોલીસે ફરિયાદ દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ગોડાઉનમાં રાખવામાં આવતા સ્ટોક રિપોર્ટના ચોપડા સહિતની વિગતો એકઠી કરી છે. આ બાબતની તપાસ સેક્ટર-21 પોલીસ સ્ટેશનના પી.આઇ. રાઠવા કરી રહ્યાં છે. બીજી તરફ કચેરીમાં ફરજ બજાવતા અને ગોડાઉન ઉપર વોચ રાખતા ગાર્ડની પણ પૂછપરછ શરૂ કરી છે.