કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે કહ્યુ કે, ઉમેદવારોને બે દિવસની સીટના નામે ઉઠ્ઠા ભણાવાય છે. સીટની રચના બાદ અહીં કોઈ આવ્યું જ નહીં અને ઉમેદવારો બેસી રહ્યાં છે. અમે અહીં સહયોગી તરીકે આવ્યા છીએ નેતા તરીકે નહીં. આ આંદોલન ઉમેદવારોના અધિકાર-સન્માન માટેનું છે. આંદોલન સફળ પણ થશે અને પરીક્ષા રદ પણ થશે. સરકારને જો ચર્ચા કરવી હોય તો ત્યાં નહીં બોલાવે અહીં આવી ચર્ચા કરે અને જાહેરાત કરે.
બિનસચિવાલય મામલોઃ પરીક્ષા રદ કરવા ઉમેદવારો અને કોંગ્રેસનો ત્રીજા દિવસે રાતવાસો - ગાંધીનગર
ગાંધીનગર: રાજ્યમાં ગુરૂવારે ઉમેદવારો એકલા જ હતા ત્યારે જે પક્ષ કે, નેતાને સમર્થક તરીકે આવવું હોય તે આવી શકે તેવું આહવાન કરાયું હતું. મોટાભાગના ઉમેદવારો તૈયાર થતા વિપક્ષના નેતા પરેશ ધાનાણી, અમિત ચાવડા અને હાર્દિક પટેલ તાત્કાલિક રાત્રે જ સમર્થનમાં પહોંચીને બેસી ગયા હતા. ઉમેદવારોનો જુસ્સો વધારવા વિપક્ષના નેતા પરેશ ધાનાણી રાત્રે ત્યાં જ રોકાયા હતા. આખા દિવસથી ભૂખ્યા ઉમેદવારો માટે ઉભા-ઉભા ભોજન તૈયાર કરાવીને તેઓ રસ્તા પર જ સુઈ ગયા હતા.
ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ કહ્યુ કે, ગુજરાતમાં આ રાજ્યવ્યાપી સ્કેમ છે, જેમાં થોડા લોકો લાખો લોકોના ભવિષ્ય સાથે ચેડા કરે છે. મારી અપીલ છે કે, બહાર આ મુદ્દો ગૂંજે અને અંદર પણ. મારે ઉમેદવારોને કહેવું છે કે 9 તારીખે વિધાનસભા સત્રની શરૂઆતમાં ગેટ નં-1 પાસે એટલી મોટી સંખ્યામાં ભેગા થાય કે, મુખ્યપ્રધાનને પરીક્ષા રદ કરવાની જાહેરાત કરવી પડે.
મોડી સાંજે થરાદના ધારાસભ્ય ગુલાબ સિંહ રાજપૂત પણ પોતાના વિસ્તારના વિદ્યાર્થીઓ સાથે આંદોલન સ્થળે પહોંચ્યા હતા. જ્યાં તેમણે પણ સચિવાલયની પરીક્ષા રદ કરવાની માગ કરી હતી તેમણે કહ્યું કે, તમામ ધારાસભ્યો સરકારમાં પરીક્ષા રદ કરવા લેખિત રજૂઆત કરે. આંદોલનને પગલે NSUI દ્વારા આજે રાજ્યભરમાં શાળા-કોલેજોમાં બંધનું એલાન અપાયું છે. આ અંગે NSUIના પ્રદેશ પ્રમુખ મહિપાલસિંહ ગઢવીએ કહ્યું હતું કે, લાખો ઉમેદવારોના હિતમાં નિર્ણય લેવાય અને પરીક્ષા રદ થાય તે માટે અમારા બંધમાં સહયોગ આપજો. જે સ્થળે શાળા-કોલેજ બંધ નહીં હોય ત્યાં અમે બંધ કરવા વિનંતી કરીશું.