ગાંધીનગર: રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળતી માહિતી મુજબ આજે તા.26મી ઓગસ્ટ-2020ની સવારે 6 કલાકની સ્થિતિએ છેલ્લા 24 કલાકમાં રાજ્યના 31 જિલ્લાના 145 તાલુકાઓમાં સામાન્ય વરસાદ નોંધાયો છે. સમગ્ર રાજ્યમાં વરસાદનું પ્રમાણ ઘટ્યું છે. ત્યારે છેલ્લાં 24 કલાકમાં રાજ્યના 6 તાલુકાઓમાં 2 ઈંચ થી 3 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.
સૌથી વધુ બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકામાં 72 મી.મી. એટલે કે 3 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે લખપતમાં 69 મી.મી., વાવમાં 62 મી.મી., ધાનેરામાં 53 મી.મી., દિયોદર-લાખણીમાં 51 મી.મી. એટલે કે 2થી 3 ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. તે ઉપરાંત અમીરગઢમાં 47 મી.મી., સુઈગામમાં ૪૪ મી.મી., અંજાર-થરાદમાં ૪૨ મી.મી., કાંકરેજમાં 40 મી.મી., વિજયનગરમાં 37 મી.મી., ડીસામાં 34 મી.મી. દાતા-દાંતીવાડા અને વડાલીમાં 29 મી.મી., ગાંધીધામમાં 28 મી.મી. અને પાલનપુર તાલુકામાં 27 મી.મી. એટલે કે એક થી બે ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. જ્યારે 28 તાલુકામાં અડધાથી એક ઈંચ જેટલો તેમજ 98 તાલુકાઓમાં અડધા ઈંચથી ઓછો-સામાન્ય વરસાદ નોંધાયો હોવાનું સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જણાવાયું છે.