ગાંધીનગરઃ. તંત્રના અથાક પ્રયત્ન છતાં જિલ્લામાં કોરોના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે આ વાઈરસને અટકાવવા માટે એડવાન્સ કોવિડ-19 સિન્ડ્રોમિક સર્વેલન્સ સિસ્ટમ પ્રોજેક્ટ શરૂ કરવાની તૈયારીઓ હાથ ધરાઈ છે. જેની શરૂઆત કલોલથી થાય તેવી શક્યતા છે.
ગાંધીનગરમાં કોરોના અટકાવવા જિલ્લાના મેડિકલ પર દવા લેનારાનો સર્વે કરાશે, કલોલથી પ્રોજેક્ટ શરૂ થશે - ગાંધીનગરમાં કોરોના કેસ
ગાંધીનગર જિલ્લામાં કોરોના વાઈરસને અટકાવવા માટે એડવાન્સ કોવિડ-19 સિન્ડ્રોમિક સર્વેલન્સ સિસ્ટમ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે. જેની શરૂઆત આગામી સમયમાં કલોલથી થાય તેવી શક્યતા છે.
ચાર તાલુકાવાળા જિલ્લા ગાંધીનગરમાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ગાંધીનગર તાલુકો. શહેર દહેગામ અને માણસાને બાદ કરતા કલોલમાં કોરોના કેસની સંખ્યામાં અને મૃત્યુઆંકમાં નોંધાપત્ર વધારો થઈ રહ્યો છે. જેને લઇને જિલ્લાનું તંત્ર ગંભીર બન્યું છે અને આગામી સમયમાં કોરોનાને અટકાવવા માટે એપ્લિકેશન દ્વારા કોરોનાને કંટ્રોલમાં કરવા માટેનો પાઇલટ પ્રોજેક્ટ શરૂ કરવાની તૈયારી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી પ્રમાણે, GIDM દ્વારા એક મોબાઇલ એપ્લિકેશન તૈયાર કરવામાં આવશે. જેનું નામ એડવાન્સ કોવિડ-19 સિન્ડ્રોમિક સર્વેલન્સ આપવામાં આવ્યું છે. એપ્લિકેશન જિલ્લાના તમામ નોંધાયેલા મેડિકલ સ્ટોર્સના માલિકોને આપવામાં આવશે. જ્યાં તાવ અને શરદી ખાંસીની દવા લેવા જનાર દર્દીઓની નોંધણી કરવામાં આવશે, તેની સંપૂર્ણ માહિતી જિલ્લા તંત્રને તુરંત મળતી રહેશે.
હાલ, આ પ્રોજેક્ટ સંદર્ભે જિલ્લા તંત્ર દ્વારા અધિકારીઓને પણ કામગીરી સોંપવામાં આવી હોવાની માહિતી મળી છે, ત્યારે પાઇલોટ પ્રોજેકટની શરૂઆત કલોલ તાલુકામાંથી કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે. કારણ કે, કલોલ તાલુકો અને શહેર વિસ્તાર દિવસેને દિવસે વુહાન બની રહ્યો છે. જેથી ટૂંક સમયમાં આ પ્રોજેક્ટની કામગીરી શરૂ થશે. જેના પગલે તંત્ર દ્વારા તમામ તાલુકાના મેડિકલ સ્ટોર્સની માહિતી પણ એકઠી કરી લેવામાં આવી છે.