રાજ્યમાં આજથી બિલકુલ ચાર વર્ષ પહેલા અમદાવાદ શહેરમાં પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતુ. પાટીદારોને અનામત આપવાની માંગ સાથે યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં સરકાર વિરૂદ્ઘ મોરચો માંડ્યો હતો. ચાર વર્ષ બાદ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા બક્ષીપંચને અપાતા 27 ટકા અનામતમાંથી ઠાકોર સમાજને અલગથી 15 ટકા અનામતની માંગ કરવામાં આવી છે. આ માટે ગાંધીનગર સર્કીટ હાઉસ ખાતે આજે બેઠક મળી હતી. જેમાં અનામત સહિત અન્ય મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
ઠાકોર ક્રાંતિસેનાનો હુંકાર: બક્ષીપંચની 27 ટકા અનામતમાંથી 15 ટકા આપવા કરી માંગ
ગાંધીનગરઃ રાજ્યમાં આશરે ચાર વર્ષ પહેલા પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા અનામત મુદ્દે આંદોલન કરવામાં આવ્યું હતુ. હાર્દિક પટેલની આગેવાનીમાં પાટીદારોએ અનામતની માંગ સાથે યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં મોરચો માંડ્યો હતો. આજે ફરી ચાર વર્ષ બાદ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા OBCને આપવામાં આવેલા 27 ટકા અનામતમાંથી 15 ટકા અનામત ફક્ત ઠાકોર સમાજને આપવા માટે માંગણી કરવામાં આવી છે. આ માટે ઠાકોર સમાજની ગાંધીનગર સરકીટ હાઉસ ખાતે બેઠક મળી હતી.
રાજ્યમાં અનામત ભૂત હજુ પણ કોઈક ખૂણામાં ધૂણી રહ્યું છે. પાટીદારોના અનામત આંદોલન બાદ સરકારે વચલો માર્ગ કાઢીને આર્થિક ધોરણે અનામત આપવાનો નિર્ણય કર્યો હતો. ત્યારે ફરી એકવાર ગાંધીનગર સર્કીટ હાઉસ ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર ક્રાંતિસેનાની આગેવાની હેઠળ એક બેઠક મળી હતી. જેમાં સમાજના આગેવાનો સાથે અલગ અલગ મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં ઠાકોર સેનાના હોદ્દેદારોને પત્ર અપાયા હતા. જ્યારે સમાજના આર્થિક ઉદ્ધાર માટે ઠાકોર નિગમમાં વાર્ષિક 5 કરોડ રૂપિયાનું ભંડોળ, ઢુઢર કેસમાં ઠાકોર સમાજના આગેવાનો ઉપર થયેલા કેસ પરત ખેંચવા સહિતની બાબતો પર આગામી સમયમાં રાજ્યના મુખ્યપ્રધાને રજૂઆત કરવામાં આવશે તેવી પણ ચર્ચા કરી હતી
ક્રાંતિ સેનાના પ્રમુખ પ્રવિણસિંહ ઝાલાએ કહ્યું કે, સમાજના વિકાસ માટે ક્રાંતિસેના કાર્ય કરી રહી છે. બેઠકમાં સમાજના આગેવાનો સાથે બક્ષીપંચ સમાજમાંથી અલગ અનામત માંગવી, અલગ નિયમ બનાવો, ગાંધીનગર શહેરમાં હોસ્ટેલ બનાવવા માટે જગ્યા, વિદ્યાર્થીઓને ટ્યુશન સહાય, સરકારી ભરતી પૂર્વે તાલીમ માટે વર્ગ, અન્ય તાલુકામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને ભોજન બિલ, વિદેશ અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓને લોન, સ્નાતક માટે સહાય, મહિલાઓને સ્વરોજગારલક્ષી યોજનામાં સહાય લોન રોજગારીની તકો ઉભી કરવા સહિતના મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત આગામી સમયમાં આ બાબતે રાજ્યના મુખ્યપ્રધાન સાથે મુલાકાત કરી રજૂઆત કરવાનો નિર્ણય કરાયો હતો. ત્યારે ફરી એકવાર રાજ્યમાં અનામત મુદ્દે આંદોલન થાય તેવા એંધાણ મળી રહ્યાં છે. કારણ કે ઓબીસી અનામતમાંથી કોઈ એક સમાજને 15 ટકા અનામત ફાળવી દેવી તે યોગ્ય નથી. તેની સામે અન્ય સમાજને અન્યાય થાય, સાથોસાથ સરકાર સામે પણ અનેક પ્રશ્નો ઉભા થાય તેવી શક્યતા છે.