રાજ્યની ધોરણ 1થી 5 પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી કરવામાં ન આવતા આજે સોમવારે ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં ટેટ પાસ ઉમેદવારો દ્વારા ભરતી કરવાની માંગને લઇને ધરણા કરવામાં આવ્યા હતા. ઉમેદવારોએ કહ્યું કે, સરકાર દ્વારા છેલ્લા કેટલાય વર્ષોથી ટેટની પરીક્ષાઓ લેવામાં આવે છે, પરંતુ તેની સામે ભરતી કરવામાં આવતી નથી. ઉમેદવારોએ શિક્ષણપ્રધાન અને મુખ્યપ્રધાન વિરૂધ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા. ઉમેદવારોએ 'ભરતી કરો'ના નારા લગાવી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. સરકાર દ્વારા ઉમેદવારોની ભરતી કરવામાં આવતી નથી પરિણામે પ્રાથમિક શાળાનું શિક્ષણ કથળી રહ્યું છે તેવો પણ આક્ષેપ લગાવ્યો હતો.
ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ટેટ પાસ ઉમેદવારોના ધરણા - candidates
ગાંધીનગરઃ શિક્ષણ વિભાગ દ્વારા યોગ્ય સમયે ભરતી કરવામાં ન આવતા તેની અસર વિદ્યાર્થીઓ ઉપર પડી રહી છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટેટ અને ટાટની પરીક્ષાઓ યોજવામાં આવે છે, પરંતુ તેની સામે જરૂરી શિક્ષકોની ભરતી કરવામાં આવતી નથી. આજે મોટી સંખ્યામાં ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ટેટ પાસ ઉમેદવારોએ ધોરણ 1 થી 5માં શિક્ષકોની ભરતી કરવા માટે ધરણા કર્યા હતા.
ઉમેદવાર ગિરીશ સોલંકીએ જણાવ્યું કે, ગુજરાતમાં માર્ચ 2018 માં ટેટ-1ની પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષામાં 75,000માંથી 6,285 ઉમેદવારો પાસ થયા હતા. છેલ્લા 10 વર્ષોમાં વિદ્યાસહાયકોની માત્ર 1300ની ભરતી કરવામાં આવી છે. જેનાથી PTC પાસ ઉમેદવારોને અન્યાય થઇ રહ્યો છે. હાલની સ્થિતિએ મહેકમની 60 ટકા ભરતી કરવી જોઈએ. પછાત જિલ્લાઓમાં ખાલી જગ્યાઓ ભરવામાં આવતી નથી. છેલ્લે 2017માં ભરતી કરવામાં આવી હતી, ત્યાર બાદ આજ સુધી ભરતી કરવામાં આવી નથી. આગામી દિવસોમાં સરકાર દ્વારા જો આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો વિધાનસભાના સત્રમાં PTC ટેટ પાસ ઉમેદવારો ઉગ્ર આંદોલન કરશે.