ગુજરાત

gujarat

ETV Bharat / state

સાહેબ ફક્ત 5 મિનિટ આપો, રજૂઆત કરવા દ્યો ! શિક્ષક બનવાની વાટ જોતા ઉમેદવારની વ્યથા - કાયમી શિક્ષક ભરતી

રાજ્ય સરકાર દ્વારા રાજ્યની સરકારી શાળામાં જ્ઞાન સહાયક યોજના અંતર્ગત કોન્ટ્રાક્ટ શિક્ષકોની ભરતી કરવામાં આવે છે. જેને લઈને ઉમેદવારોમાં અસંતોષની લાગણી છે. ત્યારે ગાંધીનગરમાં શિક્ષણ વિભાગની કચેરી ખાતે ટાટ પાસ ઉમેદવારોએ ઉગ્ર આંદોલન શરૂ કર્યું હતું. જોકે પરિસ્થિતિ ખરાબ થતાં પોલીસ દ્વારા આંદોલન કરતા તમામ ઉમેદવારોની અટકાયત કરી હતી. જાણો શા માટે કરી આ આંદોલન આટલું ઉગ્ર બન્યું...

સાહેબ ફક્ત 5 મિનિટ આપો
સાહેબ ફક્ત 5 મિનિટ આપો

By ETV Bharat Gujarati Team

Published : Nov 21, 2023, 4:52 PM IST

Updated : Nov 21, 2023, 5:05 PM IST

સાહેબ ફક્ત 5 મિનિટ આપો, રજૂઆત કરવા દ્યો !

ગાંધીનગર :રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા જ્ઞાન સહાયક યોજના અંતર્ગત શિક્ષકોની ભરતી જાહેરાત કરવામાં આવી હતી. જે અંતર્ગત રાજ્યની સરકારી શાળાઓમાં કોન્ટ્રાક્ટ પર શિક્ષકોની ભરતી કરવામાં આવી હતી. જોકે આ મુદ્દે ગાંધીનગર શિક્ષણ વિભાગની કચેરી બહાર ઉમેદવાર દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનિય છે કે, ઉમેદવારોની માંગ છે કે શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે અને જેમાં માટે અગાઉ અનેકવાર રજૂઆત થઈ ચૂકી છે.

ગાંધીનગર ગરમાયું : ગાંધીનગર ખાતે શિક્ષણ વિભાગની કચેરી બહાર ઉમેદવારો દ્વારા પોતાની માંગ સાથે રજૂઆત કરવામાં આવી હતી. આ પ્રદર્શન બાદમાં વધુ ઉગ્ર બનતા તાત્કાલિક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સ્થળ પર એકઠા થયેલા ઉમેદવારોએ સુત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો. જોકે બાદમાં ગાંધીનગર પોલીસ દ્વારા ઉમેદવારોને ટીંગાટોળી કરીને તમામ લોકોની અટકાયત કરવામાં આવી હતી. આ તકે ઉમેદવારોએ એવું પણ નિવેદન આપ્યું હતું કે, જો અધિકારી 5 મિનિટ મળવાનો સમય ફાળવે તો અમે અમારું આંદોલન બંધ કરી દઈશું.

રજૂઆત કરતા ઉમેદવારની આંખમાં આંસુ આવ્યા : ટાટ પાસ ઉમેદવારોએ ગાંધીનગર શિક્ષણ બોર્ડની કચેરી બહાર વિરોધ કર્યો હતો. ત્યારે એક મહિલા ઉમેદવારે રડતાં રડતાં મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, અમે છેલ્લા કેટલાય વર્ષોથી શિક્ષક બનવાની તૈયારી કરી રહ્યા છીએ. પણ સરકાર જ્ઞાન સહાયકના નામે કોન્ટ્રાક્ટ પર શિક્ષકોની ભરતી કરી રહી છે. જેમાં 11 મહિના સુધી જ શિક્ષક તરીકે ફરજ રહેશે, ઉપરાંત 11 મહિના પૂરા થયા પછી પણ કોન્ટ્રાક્ટ રીન્યુ થશે કે નહીં તે ફિક્સ હોતું નથી. જો કોન્ટ્રાક્ટ રીન્યુ ન થાય તો અમે ફરી બેરોજગાર બની જઈશું.

ઉમેદવારોના સરકાર પર આક્ષેપ : જ્ઞાન સહાયક ઉમેદવાર પારસ પટેલે નિવેદન આપ્યું હતું કે, જ્ઞાન સહાયક યોજના અમારે નથી જોઈતી. અમે તો કાયમી ભરતી માટે જ પરીક્ષા આપી હતી અને અમારે અમને અમારો હક જોઈએ છે. અમે કાયમી શિક્ષક બનવા માટે મહેનત કરી છે તો અમારી કાયમી શિક્ષક જ બનવું છે. અમારે કોન્ટ્રાક્ટ પર આધારિત આ વ્યવસ્થા નથી જોઈતી. જ્ઞાન સહાયક ભરતીમાં જો અમે જઈએ તો 11 મહિનાનો કરાર છે એને એના પછી કોન્ટ્રાક્ટ રીન્યુ કરવાનો આધાર સરકાર પર છે. જ્યારે કોઈ ટીચર પ્રેગ્નન્સી લિવ પર ગયા હોય અને એ જો પાછા આવી જાય તો અમારે પાછા ઘરે બેસવાનો વારો આવી જાય. ધોરણ 11 અને 12 માં શિક્ષક બનીએ તો અત્યારે કાયમી શિક્ષકોને 49,500 પગાર મળે છે, પણ જ્ઞાન સહાયકને ફક્ત 25,000 પગાર મળે છે. એટલે સરકારે શોષણ વ્યવસ્થા જ શરૂ કરી છે.

શિક્ષક બનવાની વાટ જોતા ઉમેદવારની વ્યથા

6 વર્ષમાં 2300 શિક્ષકોની ભરતી : આ અંગે ઉમેદવાર રાજુ દેસાઈએ મીડિયા સાથેની વાત કરતા જણાવ્યું હતું કે, આજે અનેક શાળામાં શિક્ષકોની જગ્યા ખાલી છે. સરકારે હમણાં ભરતી કરી હતી અને 2017 પહેલા ઉમેદવારોની ભરતી કરી હતી. પણ વર્ષ 2018 થી 2023 સુધીના અનેક ઉમેદવારો પરીક્ષા આપી છે, પણ હજુ કાયમી ભરતી થઈ નથી.

એક શિક્ષકના ભરોસે આખી શાળા : ગુજરાત વિધાનસભામાં જાહેર કરેલા આંકડા મુજબ ગુજરાતના અનેક જિલ્લામાં અસંખ્ય શાળાઓ ફક્ત એક જ શિક્ષકથી ચાલે છે. જેમાં અમરેલીની 19 શાળા, આણંદની 16 શાળા, અરવલ્લીની 17 શાળા, બનાસકાંઠાની 40 શાળા, ભરૂચની 24 શાળા, ભાવનગરની 5 અને બોટાદની 2 શાળા, છોટાઉદેપુરની 39 શાળા, દાહોદની 13 શાળા, ડાંગની 10 શાળા, જૂનાગઢની 25 શાળા, કચ્છની 105 શાળા, મહીસાગરની 106 શાળા અને મહેસાણાની 18 શાળા સહિતની કેટલીયે શાળાઓમાં ફક્ત એક જ શિક્ષકો કામ કરી રહ્યા છે.

વર્ષ 2027-28 સુધીમાં કેટલા શિક્ષકો નિવૃત્ત થશે ?

  • ધોરણ 1 થી 5 માં 25,560 શિક્ષક
  • ધોરણ 6 થી 8 માં 2,292 શિક્ષક
  • ધોરણ 9 થી 12 મા 10,698 શિક્ષક
  • 31 મે, 2023 ના દિવસે હજારોની સંખ્યામાં શિક્ષકો નિવૃત્ત થશે.

સરકારની જાહેરાત : સરકારે પણ સ્પષ્ટ જવાબ આપ્યો હતો કે, આગામી સમયમાં સૂચના અનુસાર જિલ્લા આંતરિક ફેરફાર તથા વધઘટ કેમ્પ અન્વયે ઘટ ભરવામાં આવશે તથા નવીન ભરતી પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે. જ્યારે જ્ઞાન સહાયક મુદ્દે રાજ્યના શિક્ષણ પ્રધાન કુબેર ડીંડોર અગાઉ નિવેદન આપ્યું હતું કે, ટૂંક સમયમાં 4500 જ્ઞાન સહાયકોની જગ્યાની ફાળવણી કરી દેવામાં આવશે.

આગામી 5 વર્ષમાં અધધ શિક્ષકો થશે નિવૃત : રાજ્ય સરકાર દ્વારા જ્ઞાન શક્તિ, રક્ષા શક્તિ અને જ્ઞાન સેતુ ડે સ્કૂલ જેવા પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા છે. તેનું અમલીકરણ શૈક્ષણિક વર્ષ 2023-24 થી શરૂ કરવામાં આવશે. જેમાં ધોરણ 6 થી 9 ના વિદ્યાર્થીઓને ડોક્ટર, એન્જિનિયર, પોલીસ, મીલેટરી ક્ષેત્રનું શિક્ષણ આપવામાં આવશે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલ આ પ્રોજેક્ટમાં એક મહત્વની વાત સામે આવી છે. જેમાં 5 વર્ષમાં એટલે કે વર્ષ 2027-28 સુધીમાં ગુજરાતમાં કુલ 38,550 જેટલા શિક્ષકો નિવૃત્ત થશે. જેની સામે રાજ્ય સરકાર 12,000 જેટલા શિક્ષકોની કરાર આધારિત ભરતી કરીને સંતોષ માનશે ?

શિક્ષકોની ખાલી જગ્યાના ચોંકાવનારા આંકડા : માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં 7,000 જેટલા શિક્ષકોની જગ્યા ખાલી છે. ત્યારે સરકાર દ્વારા 2018 થી ભરતી કરવામાં આવી ન હોવાના આક્ષેપ બેરોજગાર શિક્ષકો દ્વારા કરવામાં આવ્યા છે. આ અંગે ટાટ ઉમેદવાર નિલેશ ડાભીએ આક્ષેપ કર્યો હતો કે, સરકારી ઉચ્ચતર અને માધ્યમિક શાળામાં 756, ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળામાં 3,498, સરકારી માધ્યમિક શાળામાં 730, ગ્રાન્ટેડ માધ્યમિક શાળામાં 2,547 જગ્યા ખાલી છે. સરકારે 2018 થી ભરતી જ નથી કરી. ઉમેદવારોની માંગણી છે કે, ખાલી પડેલી જગ્યામાં જેમ ટેટ પાસ ઉમેદવારોની ભરતી કરવામાં આવી તે રીતે ટાટ પાસ ઉમેદવારોની ભરતી કરવામાં આવે. કારણ કે, ભરતી ન થવાના કારણે કેટલાક ટાટ ઉમેદવારોની વય મર્યાદા પણ પૂર્ણ થવા જઈ રહી છે.

  1. Exam Pattern Change : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે પરીક્ષા પેટર્નમાં ફેરફાર કર્યો, કોમ્યુટર પરીક્ષા રદ, MCQ માં 5મો વિકલ્પ શું જૂઓ
  2. Gujarat politics: જ્ઞાન સહાયક ભરતી મામલે 'આપ' આક્રમક, ચૈતર વસાવાએ કહ્યું, આગામી દિવસોમાં ભાજપ MP-MLAનો કરીશું ઘેરાવ
Last Updated : Nov 21, 2023, 5:05 PM IST

ABOUT THE AUTHOR

...view details