ગાંધીનગર: ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગાંધીનગર વડી કચેરીને ગાંધીનગરના દહેગામ ખાતે દૂધ અને દૂધની બનાવટોમાં ભેળસેળ કરવામાં આવે છે, તેવી મળેલ બાતમીના આધારે ગાંધીનગર વડી કચેરીના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર વડી કચેરીના ડેઝીગ્નેટેડ ઓફીસર અને ફુડ સેફ્ટી ઓફિસર અને અમદાવાદ ગ્રામ્ય કચેરીના ડેઝીગ્નેટેડ ઓફીસર અને ફુડ સેફ્ટી ઓફિસર દ્વારા સંયુક્ત પણે સફળ રેડ કરી શંકાસ્પદ ખાદ્ય પદાર્થના નમુના લેવાની કામગીરી કરવામાં આવી હતી.
1400 કિલોગ્રામ ક્રીમનો જથ્થો જપ્ત:દહેગામમાં આવેલી જલારામ ડેરીમાં આ ખાદ્ય પદાર્થ ક્રીમને કોઈપણ પ્રકારના લેબલ ડીક્લેરેશન વગર(મીસબ્રાન્ડેડ) પ્લેન પ્લાસ્ટીકની થેલીઓમાં પેક કરેલો હતો તેમજ અનહાઈજેનીક પરિસ્થિતિમાં કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરેલ હોવાથી આ ક્રીમનું ઉત્પાદન કરનાર પેઢીના માલિક જીગ્નેશ બુધાભાઈ બારોટને સ્થળ પર બોલાવીને તેમની હાજરીમાં નમૂનો લેવામાં આવ્યો હતો. આ અંતર્ગત આશરે 1400 કિલોગ્રામ ક્રીમનો જથ્થો કે જેની અંદાજિત કિંમત 3.50 લાખ થાય છે, તે શંકાસ્પદ જથ્થો જાહેર આરોગ્યનાં હિતમાં સ્થળ ઉપર કાયદા મુજબ જપ્ત કરવામાં આવ્યો છે.