ગાંધીનગર: ગુજરાતના તમામ 33 જિલ્લા અને 14,000થી વધુ ગ્રામ પંચાયતોમાં રખડતા કૂતરાઓનો ત્રાસ જોવા મળે છે. કોઈ અજાણ્યો વ્યક્તિ પસાર થાય તો કુતરાઓ તરત જ તેમના ઉપર હુમલો કરે છે. કુતરાઓના કરડવાથી મૃત્યુની ઘટનાઓ પણ સામે આવે છે. જેમાં તાજેતરમાં વાઘ-બકરી ગ્રૂપના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પરાગ દેસાઈ સાંજે તેમના બંગલાની નજીકની રહેણાક સોસાયટીમાં ચાલવા જઈ રહ્યા હતા ત્યારે રખડતાં કૂતરાં તેમની તરફ ધસી આવ્યા હતા. આ દરમિયાન દોડવા જતાં નીચે પડી જતાં બ્રેઇન હેમરેજ થઇ ગયું હતું. સારવાર દરમિયાન ગંભીર ઇજાના લીધે તેઓનું અવસાન થયું હતું. મહત્વનું છે કે રાજ્યમાં રખડતાં શ્વાનનો ત્રાસ એ હદે વકર્યો છે કે નાના બાળકો એકલાં જતાં પણ ડર અનુભવે છે.
કૂતરાઓનો ત્રાસ યથાવત:દેશમાં 1 કરોડથી વધુ પાલતુ કૂતરાઓ છે, જ્યારે રખડતા કૂતરાઓની સંખ્યા લગભગ 3.5 કરોડ છે. રાજયમાં દરરોજ 464 લોકો કુતરા કરડવાનો ભોગ બને છે. જેની ગણતરી કરીએ તો રાજ્યમાં રોજના 464 લોકોને અને પ્રતિ કલાક 19 લોકોને સરેરાશ કુતરા કરડે છે. સરકારી વિભાગો દ્વારા મહાનગરો-જિલ્લાઓને અનેક યોજનાઓ માટે જંગી ગ્રાન્ટ ફાળવાતી હોય છે. સૌથી વધુ ગ્રાન્ટ મહાનગરોમાં વપરાતી હોવા છતાં સ્થાનિક તંત્રની બેદરકારીને કારણે કૂતરાઓનો ત્રાસ ઓછો થયો નથી.
ગુજરાત વિધાનસભાની અતારાંકિત પ્રશ્નોત્તરીમાં અમદાવાદના કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ 31 માર્ચ 2023ની પરિસ્થિતિએ છેલ્લા 3 વર્ષમાં રાજ્યમાં ક્યાં પ્રકારના પ્રાણીઓ કેટલા નાગરિકોને કરડવાના બનાવો સામે આવ્યા છે, તે અંગે પ્રશ્ન કર્યો હતો. જેમાં રાજ્ય સરકારે વર્ષ 2020-21, 2021-22 અને 2022-23 સુધીના આંકડા જાહેર કર્યા હતા. જેમાં સોથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં વર્ષ 2020-21 માં 46436, વર્ષ 2021-22 માં 50,397 અને વર્ષ 2022-23માં 60,330 નાગરિકોને કૂતરું કરડયું હોવાની ઘટના સામે આવી છે. આમ ફક્ત અમદાવાદ મ્યુ. કોર્પોરેશન વિસ્તારમાં 3 વર્ષમાં 1,57,163 નાગરિકોને કૂતરા કરડ્યાં છે.
અમદાવાદ:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ટ્રસ્ટની વાત કરવામાં આવે તો ચાર અલગ અલગ એજન્સીઓ મારફતે કોર્પોરેશન દ્વારા ખસીકરણ અને રસીકરણની કામગીરી કરવામાં આવે છે. ગેસપુર ખાતે 3 કરોડના ખર્ચે ખર્ચ ખસીકરણ કેન્દ્ર પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે. વર્ષ 2022-23 માં કુલ 35.15 કરોડનો ખર્ચ થવાનો અંદાજ મૂકવામાં આવ્યો હતો, જ્યારે 2023-24માં 49.66 કરોડના બજેટની ફાળવણી પશુ નિયંત્રણ માટે કરવામાં આવી હતી.
ગાંધીનગર: ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલે ETV ભારત સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે 1.5 કરોડનું બજેટ ખસીકરણ માટે રાખવામાં આવ્યું હતું. જ્યારે અત્યાર સુધીમાં 53 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે અને 5373 કુતરાઓનું ખસીકરણ કરવામાં આવ્યું છે.
સુરત:સુરત શહેરમાં દરરોજ કૂતરા કરડવાના 50થી 70 કેસ નોંધાઈ રહ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનનો દાવો છે કે એપ્રિલ 2022થી માર્ચ 2023 સુધીમાં 10,255 કૂતરા પકડાયા હતા, જ્યારે આ જ સમયગાળા દરમિયાન કૂતરા કરડવાના 22,503 કેસ નોંધાયા હતા. 2023 વર્ષની વાત કરીએ તો માત્ર 10 મહિનામાં કૂતરા કરડવાના 14, 970 કેસ નોંધાયા છે. મ્યુનિસિપલ કોર્પોરેશને પાંચ વર્ષમાં 33,761 કૂતરા પકડ્યા અને તેના પાછળ 3.28 કરોડનો ખર્ચ કર્યો. RTIમાં ખુલાસો થયો છે કે વર્ષ 2022-23માં મહાનગરપાલિકાએ 10,255 કૂતરા પકડ્યા હતા. અન્ય એક RTIમાં જિલ્લા પંચાયતના પશુપાલન વિભાગે જવાબ આપ્યો છે કે સુરત શહેરના 101 વોર્ડમાં 2754 કૂતરા છે. આ આંકડો 2018માં કરાયેલા સર્વેનો છે. મહાપાલિકાનું કહેવું છે કે તે સર્વે કરાવતી નથી.
પશુપાલન વિભાગ અમુક એજન્સી મારફત આ સર્વે કરાવે છે. આ સર્વેક્ષણો માત્ર 40 ટકા જ સચોટ હોય છે. રસ્તા પર દેખાતા કૂતરા જ ગણાય છે. લોકો જે કહે છે તે લખવામાં આવે છે. જ્યારે ઘણા શ્વાન કારની નીચે અને શેરીઓમાં રહે છે. જ્યારે આ આંકડો આપવામાં આવ્યો ત્યારે શહેરમાં પાંચ ઝોન હતા, જ્યારે હવે 9 ઝોન છે. - ડો. દિગ્વિજય રામ, અધિક્ષક, બજાર વિભાગ, મ્યુનિસિપલ કોર્પોરેશન
1 કૂતરા પાછળ કેટલો ખર્ચ: સુરત શહેરમાં 5 વર્ષમાં 30,300 કૂતરાઓનું રસીકરણ અને વંધ્યીકરણ કરવામાં આવ્યું છે. જેની પાછળ 3,28,60,204 ખર્ચાયા હતા. તેમાંથી 30,300 કૂતરાઓનું રસીકરણ અને નસબંધી કરવામાં આવી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનના આંકડાઓ અનુસાર એક કૂતરા પાછળ 1191નો ખર્ચ થયો હતો. બીજી તરફ દરરોજ 50-70 કૂતરા કરડવાના કેસ સામે આવી રહ્યા છે.
આ વખતે એક કૂતરા પાછળ 1191 રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. જેમાં કૂતરાને પકડવાનો ખર્ચ, રસીકરણ, ઓપરેશનનો ખર્ચ, ડોક્ટરનો ખર્ચ, મેનપાવરનો ખર્ચ, તેને પાંચથી સાત દિવસ રાખવાનો ખર્ચ અને ખાવાનો ખર્ચ સામેલ છે. ઓપરેશન દરમિયાન કાઢી નાખવામાં આવેલા અંગોની ગણતરી કર્યા પછી જ ચુકવણી કરવામાં આવે છે. - ડૉ. દિગ્વિજય રામ, સુપરિન્ટેન્ડેન્ટ, મ્યુનિસિપલ કોર્પોરેશનના માર્કેટ ડિપાર્ટમેન્ટ
રાજકોટ:રાજકોટ મહાનગરપાલકાના પશુ નિયંત્રણ શાખાના ડો.બી.આર જાકાસનીયાએ જણાવ્યું હતું કે હાલમાં રખડતા શ્વાનની સંખ્યા અંદાજિત 30 હજાર જેટલી છે. જ્યારે દર વર્ષે કોર્પોરેશન દ્વારા રખડતા શ્વાન માટે બજેટમાં 1 કરોડની ફાળવણી કરવામાં આવે છે. મનપા દ્વારા દર વર્ષે 3 હજાર જેટલા શ્વાનોનું ખસીકરણ કરવામાં આવે છે. મનપા દ્વારા રેગ્યુલર રીતે વર્ષ 2008થી શ્વાનોનું ખસીકરણ શરૂ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 70 હજાર કરતાં વધુ શ્વાનોનું મનપા દ્વારા ખસીકરણ કરાયું છે. હાલમાં રાજકોટમાં રખડતા શ્વાનોની સંખ્યા 30 હજાર જેટલી હોવાનું સામે આવ્યું છે.