ગાંધીનગર: રાજ્યમાં કોવિડ 19 ની પરિસ્થિતિમાં રોજગાર ધંધા પડી ભાંગ્યા છે. જેમાં હવે કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજયના નાના ઉદ્યોગો ફરી પાટા પર લાવવા માટેની અનેક જાહેરાત કરવામાં આવી છે, જેમાં 20 લાખ કરોડ પેકેજની જાહેરાત કરી છે. એ પેકેજમાં 3.50 લાખ કરોડ MSME માટે ફાળવવામાં આવ્યા હોવાથી રાજ્યના MSME ઉદ્યોગકારો સરકારની જાહેરાતનો લાભ ઉઠાવે તેવું રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું.
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કોવિડ-19 કોરોના વાઈરસની સ્થિતિ પછી ઉદ્ભવનારી આર્થિક-ઔદ્યોગિક ગતિવિધિઓનો મહત્તમ લાભ રાજ્યના MSME એકમો ઉઠાવી આપત્તિને અવસરમાં પલટવાની ગુજરાતની ખૂમારી ફરી ઝળકાવે તેવું આહવાન કર્યુ છે. તેમણે આ સંદર્ભમાં બેન્કોને પણ અનુરોધ કર્યો છે કે, MSME એકમોને આવશ્યકતા મુજબ બેન્ક લોન-સહાય આપીને આ સેકટરને પૂન: વેગવંતુ બનાવવાનું દાયિત્વ નિભાવે.
સીએમ રૂપાણીએ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના જિલ્લામથકોએ ઉપસ્થિત રહેલા બેન્ક અધિકારીઓ, જિલ્લા ઊદ્યોગ કેન્દ્રોના જનરલ મેનેજર, MSME એકમોના સંગઠનોના પદાધિકારીઓ સાથે ઊદ્યોગ-વેપાર ક્ષેત્રને ફરી એ જ ગતિએ ધબકતા કરવાની કાર્યયોજનાનું સામૂહિક મંથન-ચિંતન કર્યુ હતું. રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, ભારત સરકારે પણ કોવિડ-19ની સ્થિતિમાં વેપાર-ઊદ્યોગ-નાના-લઘુ ઊદ્યોગોને બેઠા કરવા જે 20 લાખ કરોડનું પેકેજ જાહેર કર્યુ છે, તેમાં 3.50 લાખ કરોડનું પેકેજ MSME માટે આપ્યું છે.
જ્યારે MSME એકમોને કોલેટરલ ફ્રી લોન આપવાની પણ ભારત સરકારે જાહેરાત કરી છે, તેનો મહત્તમ લાભ ગુજરાતના MSME એકમોને મળે તે માટે તેમણે બેન્કર્સને પ્રો-એકટીવ થવા સૂચન કર્યુ હતું. ગુજરાતમાં 33 લાખથી વધુ MSME એકમો દ્વારા દોઢ કરોડથી વધુ લોકોને રોજગારી મળે છે. તેમજ આવા MSME એકમોનો રિકવરી રેટ 95 ટકાથી પણ વધારે છે. બેન્કર્સને એવો પણ અનુરોધ કર્યો છે કે, રિઝર્વ બેન્કે રેપોરેટ ઘટાડયો છે. તેમજ લીકવીડીટી (તરલતા) ફેસિલીટી વધુ વ્યાપક બનાવી છે. ત્યારે રાજ્યના MSME એકમોને પણ વધુ સરળતાએ લોન-સહાય મળે તો આપણે વિકાસની રફતાર વેગવંતી બનાવી શકીશું.