ગાંધીનગર :વાહન વ્યવહાર વિભાગના નિયમ અનુસાર અમુક વર્ષો અથવા તો નક્કી કિલોમીટર પૂર્ણ થયા બાદ સરકારી વાહનોને બંધ કરી દેવામાં આવે છે. તે નિયમ અનુસાર રાજ્ય સરકારે આજે 50 જેટલી 108 એમ્બ્યુલન્સને બંધ કરવામાં આવી છે. તેની સામે રાજ્યના આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે પ્રજાના આરોગ્યની સેવા માટે નવી 50 એમ્બ્યુલન્સને લીલી ઝંડી આપી હતી. સચિવાલયમાં આજે કેબિનેટ બેઠક પૂર્ણ થયા બાદ રાજ્ય સરકારના આરોગ્યપ્રધાન અને આરોગ્ય અધિકારીઓએ કુલ 70 જેટલી એમ્બ્યુલન્સને પ્રસ્થાન કરાવ્યું હતું. આ તમામ એમ્બ્યુલન્સને જીપીએસ સિસ્ટમ અને ખાસ ટ્રેકિંગ સિસ્ટમથી સજ્જ કરવામાં આવી છે.
અત્યાધુનિક એમ્બ્યુલન્સ : રાજ્ય સરકારે આજે 70 થી વધારે 108 એમ્બ્યુલન્સને ઓપરેશનમાં મૂકી છે. ત્યારે આ તમામ એમ્બ્યુલન્સમાં ટ્રેકિંગ સિસ્ટમનું નવું ફીચર એડ કરવામાં આવ્યું છે. આ બાબતે રાજ્ય સરકારના આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, આજે લોકાર્પણ થયેલી એમ્બ્યુલન્સમાં ટ્રેકિંગ સિસ્ટમ પણ રાખવામાં આવી છે. જેમાં કોઈપણ અકસ્માતવાળી ઘટના અથવા તો ઇમર્જન્સીમાં દર્દીને કઈ હોસ્પિટલમાં લઈ જવા અને જે હોસ્પિટલમાં લઈ જવાના હોય ત્યાં ડોક્ટર હાજર છે કે નહીં ? લોહીનો બંદોબસ્ત છે કે નહીં, એ તમામ બાબતે એપ્લિકેશનમાં 108 ના કર્મચારીઓને જાણ થઈ શકશે, જેથી દર્દીને હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર મળી રહે. ઉપરાંત ટ્રેકિંગ સિસ્ટમ ઓટો જનરેટ કરવામાં આવી છે.